ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીમાં CM રુપાણીએ કહ્યું કે…

ગાંધીનગર– રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તા. ૮ માર્ચની રાજ્યવ્યાપી ઉજવણીનો આરંભ ગાંધીનગરથી કરાવ્યો હતો. તેમણે આંગણવાડી બહેનોને તેમની શ્રેષ્ઠતા માટે માતા યશોદા એવોર્ડ સહિત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારી માતા-બહેનોને પુરસ્કારોથી સન્માનિત કરી હતી.આ પ્રસંગે તેમણે કહ્યું કે કોઇ પણ રાષ્ટ્ર-સમાજ નારીશકિતના મહત્વને સ્વીકાર્યા વિના કે નારી-માતૃશકિતના ગૌરવ સન્માન વિના આગળ વધી શકે જ નહીં.

સમાજ વ્યવસ્થામાં માતૃ નારીશકિતને બહુધા દેવી સ્વરૂપો સાથે જોડીને પરાપૂર્વથી સન્માન અપાય છે. તેમણે આ સંદર્ભમાં વિદ્યાની દેવી સરસ્વતી, શકિતની ધાત્રી જગદંબા, અન્નથી પેટ ભરાવતી અન્નપૂર્ણા, ધન સંપત્તિ માટે મહાલક્ષ્મીના અનેક ઉદાહરણો આપ્યાં હતાં.

રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણના પગલાંઓ અંગે વાત કરતાં તેમણે મહિલા કલ્યાણલક્ષી અનેક યોજનાઓ, જેન્ડર બજેટ, નોકરીઓમાં ૩૩ ટકા અનામત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ૦ ટકા મહિલા પ્રતિનિધિત્વના આયામોની વિશદ ભૂમિકા તેમણે આપી હતી. સાથે રાજ્યમાં કન્યા કેળવણી, ઉચ્ચશિક્ષણમાં દીકરીઓને ફી માફી તેમજ નાની બાળકીઓ પર દુષ્કર્મના બનાવો સામે કડક સજાની જોગવાઇ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આજીવન કેદથી ફાંસી સુધીની કડક સજા અપાવવાના મહિલા-કલ્યાણ નિર્ણયોની વિગતો આપી હતી.

રૂપાણીએ શિક્ષિત નારી, સમૃધ્ધ સમાજ અને સમૃધ્ધ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ લઇને મહિલા દિવસની  ઉજવણી સાર્થક કરવાનું આહવાન પણ આ અવસરે કર્યુ હતું. મહિલા અને બાળ કલ્યાણપ્રધાન વિભાવરી દવેએ છેવાડાના વિસ્તારોમાં સેવાઓ આપતી આશા બહેનો તથા આંગણવાડી બહેનો સહિતની મહિલાઓનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પારકા બાળકોને ભણાવવાનું અને ઉછેરવાનું કામ કરે તે યશોદામાતાથી કમ નથી. આ મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય સરકારે કર્યું છે. વિશ્વ આખું ૮ માર્ચે મહિલાદિન ઉજવે છે, આપણે તો ૩૬૫ દિવસ મહિલા દિન ઉજવીએ છીએ. પરંતુ મહિલા ગૌરવ દિન હોવાથી આજે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહનો આપવામાં આવે છે. રાજ્ય સરકારે ૪ કરોડની રકમના ૭૮૮૦ યશોદા બહેનોને ઇનામો આપ્યા છે. ૬ કરોડ રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા ૧૮૫૨ યશોદા બહેનોને વિમા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

છેલ્લાં એક વર્ષમાં રાજ્ય સરકારે ૧૭ મહિલા બાળ અધિકારી, ૩૨ ફિલ્ડ ઓફિસર, ૧૪૨ને સી.પી.ડી.ઓ.માં બઢતી, ૨૭ સી.પી.ડી.ઓની સીધી ભરતી, ૩૯ સી.પી.ડી.ઓને પ્રોગ્રામ ઓફિસર તરીકે બઢતી અને ૫૨૧ મુખ્ય સેવિકાની ભરતી કરી છે. વિભાગની જગ્યાઓ ભરાઇ જતા હવે વિભાગમાં રન વે બની ગયો છે. હવે મહિલા બાળ વિકાસના કામો કરીને દેખાડી દેવા છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા દેશની બે મહિલાઓએ વિશ્વને દેખાડી દીધું કે મહિલા શું કરી શકે છે. દેશની સુરક્ષા કરતાં સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને હંફાવી બતાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]