સોમનાથ દ્વિતીય 12 જ્યોતિર્લિંગ સમારોહ, ચાંદીજડિત ધ્વજદંડ 1વર્ષ સોમનાથદાદા પાસે…

ગીર સોમનાથ-  સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ સમારોહમાં સહભાગી થવા મુખ્યપ્રધાન સોમનાથ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે સૌ પ્રથમ સોમનાથદાદાના દર્શન અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાને ઉજ્જૈન મહાકાલેશ્વર ખાતેથી આવેલ દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહના ચાંદી જડીત ધ્વજદંડનું આસ્થાપૂર્વક પૂજન કર્યુ હતું. મુખ્યપ્રધાને મહામૃત્યુંજય યજ્ઞમાં સહભાગી થઇ આહૂતિ અર્પી દર્શન કર્યાં હતાં. સોમનાથ મંદિર પરિસરમાં દ્વાદશ જ્યોતિર્લિંગની ભસ્મ, જળ અને માટીથી બનાવેલ ૧૨ શિવલિંગના દર્શન કરી પૂજન કર્યુ હતું.

મુખ્યપ્રધાને દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહમાં પધારેલા વિવિધ રાજ્યોના સંતો, શિવભક્તો તેમજ ઉજ્જૈન મહાકાલેશ્વરના ભક્તોને આવકાર્યા હતા. સોમનાથ મહાદેવનું મંદિર અનેક આક્રમણો છતાં પુનઃ સ્થાપિત થયું અને તેના નવ નિર્માણમાં સરદાર વલ્લભભાઇ પટેલના સંકલ્પ અને વિરાટ કાર્યને વંદન કર્યા હતાં.

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,સંસારના સર્વજન કલ્યાણક શિવની આરાધના સાથેનો આ સમારોહ ભારતની એકતા, અખંડિતતા અને શ્રદ્ધાને મજબૂત બનાવશે. સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિરાટ કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેમને કાશ્મીરનુ કાર્ય સ્વતંત્ર સોંપવામાં આવ્યુ હોત તો આજે કાશ્મીરની સ્થિતી જુદી હોત.

ઉલ્લેખનીય છે કે, સૌ પ્રથમ દ્વાદશ સમારોહ ઉજ્જૈન તીર્થ સ્થળ ખાતે યોજાયો અને ત્યાંથી ઓલિમ્પિક ધ્વજની જેમ દ્વાદશ જ્યોતિર્લિંગ ધ્વજ સોમનાથ લાવી આ સમારોહ સોમનાથ પરિસરમાં યોજવામાં આવ્યો છે. આ ધ્વજ એક વર્ષ સુધી સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]