સુરેન્દ્રનગરઃ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ માંડ્યાં CM રુપાણીના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં

સુરેન્દ્રનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઉપસ્થિતિમાં મુક્તાબહેન ડગલી સંચાલિત સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો ૨૫મો લગ્નોત્સવ યોજાયો હતો જેમાં આઠ નવદંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યાં હતાં. સીએમ રુપાણીએ સ્વયં પ્રજ્ઞાચક્ષુ સરિતાબહેન જયસ્વાલનું કન્યાદાન પણ કર્યું હતું.આ પ્રસંગે સીએમ રુપાણીએ જણાવ્યું કે, સમાજની સામાજિક જવાબદારી અદા કરવી અને સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે પ્રતિબદ્ધ બનવું સાચો નાગરિક ધર્મ છે. રાજય સરકાર સમાજનાં સર્વાંગી – સમરસ અને સમતોલ વિકાસ માટે

પ્રતિબદ્ધ છે.વાયબ્રન્ટ સમીટની નોંધ આજે આખું વિશ્વ લઇ રહ્યુ છે તે મેગા ઇવેન્ટ ગઇકાલે પુરી થઇ અને આજે મારે આ કરૂણાસભર સંવદેનશીલ સમારોહમાં ઉપસ્થિત રહીને કન્યાનું દાન કરવાનું થયું તે મારા જીવન માટે સદાય મંગલ ઘડી છે અને મારા જીવનનું આ સુખદ સંભારણુ બની રહેવાનું છે.સીએમ સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ આયોજિત રપમાં લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે આ દીકરીઓનું કન્યાદાન પણ કર્યુ હતું.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, દિવ્યાંગ સંતાન દરેક કુટુંબ માટે હંમેશા ચિંતાનો વિષય હોય છે તેવા દરેક કુટંબોને આપણે હૂંફ આપીને તે સંતાન માત્ર કુંટુંબનુ જ નહીં પણ સમગ્ર સમાજનું છે તે રીતે તેને સમાજનાં મુખ્યધારામાં લાવવા આપણે સદાય પ્રયત્નશીલ રહેવું જોઇએ કારણ કે આ કાર્ય તો ઇશ્વરીય કાર્ય છે. રાજ્ય સરકાર દિવ્યાંગના સર્વાગી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. તેમનાં અભ્યાસ માટે હોસ્ટેલ સુવિધા સહિતની વ્યવસ્થા  ઉભી કરવા માટે રાજય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે. રાજય સરકારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે.

મુખ્યપ્રધાને નવપરિણીત ૮ નવદંપતિઓને સુખી દાંપત્યજીવનની શુભકામના આપી હતી અને સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરી હતી. આ તકે સીએમ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાઓના હસ્તે સમાજને શ્રેષ્ઠ પ્રદાન કરનારાઓનું એવોર્ડ સન્માનપત્ર આપી ગૌરવપૂર્ણ સન્માન કર્યુ હતું

સમારોહમાં મુખ્યપ્રધાન હસ્તે દીપેન્દ્રભાઇ મનોચાને લૂઇ બ્રેઇલ એવોર્ડ,  લાલજીભાઇ પ્રજાપતિને પંડિત સુખલાલજી એવોર્ડ,  ધનજીભાઇને શ્રી મુકત પંકજ ડગલી એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. સાથે સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ચાલતી વિવિધ પ્રવૃતિઓથી અવગત થઇ  શાંતિસદન કર્મચારી ગૃહનો  શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]