અત્યંત આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ છે અમદાવાદનું નવું ACB ભવન

અમદાવાદ- અમદાવાદ શાહીબાગ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના નવનિર્મિત ભવનને આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખુલ્લું મુક્વામાં આવ્યું. મુખ્યપ્રધાને સમગ્ર ભવનને નિહાળી તેની પરિણામલક્ષી ઉપયોગિતા વિષે જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 20 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ ભવન અત્યંત આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ છે. રાજ્ય સરકાર પારદર્શિતા-ગતિશીલતા-નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર માપદંડોથી આગળ વધી રહી છે.

રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને ડામવા સતત પ્રયત્નો કરી રહી છે, આધુનિક ટેકનોલોજી અને તમામ સુવિધા ધરાવતી આ એસીબી ઓફિસને પગલે ભ્રષ્ટાચારને નાંથવામાં મદદ મળશે. રાજ્યસરકાર ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય નિર્માણની દિશામાં આગળ વધી રહી છે.

રાજ્યના એ.સી.બી તંત્રને વધુ પારદર્શી અને પરિણામલક્ષી બનાવવા રાજ્ય સરકારે અનેક પગલા લઈ રહી છે. ગતવર્ષે એ.સી.બી દ્વારા ૨૦૮ કેસો નોંધાયા હતાં. ૧૪૪ ટ્રેપ અને ૧૯ ડિકોય તથા અપ્રમાણસરની મિલકતોના ૮ કેસો કર્યા હતાં. વર્ગ ૧ થી ૪ ના ૪૩૭ આરોપીઓ સામે કેસ નોંધ્યા છે. એ.સી.બીની કામગીરીને વધુ પરિણામલક્ષી બનાવવા ‘૧૦૬૪’ ટોલ ફ્રી નંબર પણ કાર્યરત બનાવાયો છે.

આ નંબરની મદદથી કોઈપણ સરકારી કર્મચારી-અધિકારી ક્યાંય પણ લાંચ માંગે તો તરત જ આ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવો જેથી ત્વરિત પગલા લઈ શકાય.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ખેતતલાવડી, રેતી ખનન, શૌચાલય નિર્માણના અનેક કેસો કરાયા હતાં. રાજ્યની તિજોરીનો એક પણ પૈસો ક્યાંય ખોટી રીતે વપરાય નહી તે માટે રાજ્ય સરકાર સતત જાગૃત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]