સ્વતંત્રતા દિવસ પૂર્વે સીએમે વઢવાણમાં ‘આઝાદી કી નિશાનીયાં’નું ઉદઘાટન

વઢવાણઃ ભારતને વિદેશી સત્તાના હાથમાંથી સ્વતંત્રતાનો સૂરજ દેખાડનાર તારીખ 15 ઓગસ્ટના સ્વાતંત્ર્યપર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં યોજાઇ છે. ત્યારે સ્વાતંત્ર્યદિનની પૂર્વે વઢવાણમાં યુવા સંમેલન સહિત કેટલાક કાર્યક્રમોનું આયોજન થયું હતું. મુખ્યપ્રધાન વિજય રુપાણી આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો.સીએમ રુપાણીએ જનતાને સંબોધતાં કહ્યું કે સરકારે ગુજરાતના યુવાધનને વિશેષ તકો – પ્રોત્સાહન આપવાની પ્રણાલી વિકસાવીને તેને અગ્રિમતા આપી છે. ગુજરાતનો યુવાન ગ્લોબલ યુથ બને, વિશ્વના શ્રેષ્ઠ જ્ઞાન – કૌશલ્યનો એને લાભ મળે તે માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચર – રીચર્સ ફેસિલિટી, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની તક યુવાશક્તિને ઘર આંગણે મળે તેવી પહેલ આપણે કરી છે અને એટલા માટે જ શ્રેષ્ઠ ભારતનાં નિમાર્ણ માટે આપણા ગુજરાતની યુવાશક્તિનો થનગનાટ ઉડીને આંખે વળગે તેવો છે.

72માં સ્વાતંત્ર્યપર્વની સુરેન્દ્રનગરમાં આન, બાન અને શાન સાથે થઈ રહેલી રાજયકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા આજે સુરેન્દ્રનગર આવી પહોંચેલા સીએમ રુપાણીએ વઢવાણ ખાતે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત વિશાળ યુવા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ યુવા સંમેલનનો મંગલદીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો. વીર શહીદોએ શહાદત વહોરીને આપણને મહામૂલી આઝાદી અપાવી છે, તેમ જણાવી મુખ્યપ્રધાને દેશને સ્વરાજ્ય મળ્યું છે, તેને સુરાજ્ય બનાવવા રાજ્ય સરકારે વિકાસની રાજનીતિ દ્વારા આગવા પ્રકારનું કાર્ય હાથ ધર્યું છે તેમ પણ ઉમેર્યું હતું.

યુવા સંમેલનમાં રુપાણીએ સમારોહ સ્થળે તંત્ર દ્વારા આયોજિત ‘આઝાદી કી નિશાનીયા’ પ્રદર્શન ઉદઘાટન કર્યુ હતું, તેમ જ એપ્રેન્ટિસ કરારપત્રોનું વિતરણ, એકમના પ્રતિનિધિઓનું સન્માન, દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યુ હતું અને જમીન ફાળવણીની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ જ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કર્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં તારક મહેતાના ઉલટા ચશ્મા સીરીયલનાં કલાકાર નટુકાકા, બાઘો તથા બાવરીએ તેમની આગવી શૈલીમાં સ્વચ્છતાનો સંદેશો આપેલ હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]