ક્લાસિકલ ડાન્સ ફેસ્ટીવલનું અમદાવાદમાં આયોજન, વધુ વિગતો…

અમદાવાદઃ ભરતનાટ્યમ, કૂચીપુડી, બાંસુરીવાદન, માર્શલ આર્ટના સ્વરૂપની સાથે સાથે ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયા ડાન્સ અને કલ્ચર 2018માં કલા અને આધ્યાત્મિકતાના વિવિધ સ્વરૂપો પ્રદર્શિત કરાશે. ભારતિય શાસ્ત્રીય નૃત્યોની પ્રણેતા અને પરંપરાની સ્થાપક એકેડેમી ઓફ પર્ફોર્મન્સ આર્ટસના માધ્યમથી બીજલ હરિયા દ્વારા ક્લાસિકલ ડાન્સ ફેસ્ટીવલનું અમદાવાદમાં સીઈઈ – ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ ડાન્સ ફેસ્ટીવલ વિવિધ પ્રકારના નૃત્યોની રજૂઆત સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરશે અને તેમનામાં ઉત્સાહની ભાવના પ્રબળ બનાવશે. પરંપરા દ્વારા માર્શલ આર્ટ સ્વરૂપની સાથે સાથે ઇન્ડિયન કન્ટેમ્પરી તથા ક્લાસિકલ તાલ સિસ્ટમની રિધમીક પેટર્ન દર્શાવશે. આ ફેસ્ટીવલમાં દિલ્હીના સુપ્રસિદ્ધ આર્ટીસ્ટ ચેતન જોશી અને તેમના સહકલાકાર બાંસુરીવાદકની સાથે સાથે તબલાં, અને પખવાજ વાદકનો પણ સમાવેશ કરાયો છે.

આ અંગે વાત કરતા બીજલ હરિયાએ જણાવ્યું હતું કે “નૃત્ય એ પ્રાર્થના છે અને પરંપરા ભારતીય શાસ્ત્રીય નૃત્યના વારસાને આગળ ધપાવવાનું ચાલુ રાખશે. આ ફેસ્ટીવલમાં આપણાં નૃત્યનાં સ્વરૂપોને ભરતનાટ્યમ અથવા કુચીપુડીના માધ્યમથી રજૂ કરવામાં આવશે. આપણાં મૂળ નૃત્યો અને સ્વરૂપો આદ્યાત્મિક મહત્વ ધરાવે છે અને આપણી પરંપરાઓમાં મોટું પ્રદાન કરે છે. ગુરૂ-શિષ્ય પરંપરાનો ઉલ્લેખ કરીએ તો આ પરંપરા યુવાન વિદ્યાર્થીઓને આ કલા સ્વરૂપ સાથે સંકળાયેલી ત્યાગ ભાવનાનો ખ્યાલ આપે છે.

પરંપરા એકેડેમી ઓફ પર્ફોર્મીંગ આર્ટસ તેની ઉજવણીના 8મા વર્ષમાં નૃત્ય સ્વરૂપો રજૂ કરીને ક્લાસિકલ આર્ટ કલ્ચરને જીવંત રાખવાની સાથે સાથે શહેરના યુવાનોને સંગીત અને નૃત્યની ભવ્ય પરંપરા જાળવવા અને આગળ ધપાવવા અનુરોધ કરે છે.