‘સંસ્કૃતિ અને ભાષાની રક્ષામાં નાટક મહત્વનો ભાગ ભજવે છે’
સુરત – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા- 2020’ (વર્ષ 14મું)નો આજે અહીં જીવન ભારતી મંડળના રંગભવન ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે.
સંસદસભ્ય સી.આર. પાટીલ, ડેપ્યુટી મેયર નીરવ શાહ, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના ભાગીદાર અરજણભાઈ ધોળકિયા, જીવન ભારતી મંડળના ભાનુભાઇ શાહ, અજીતભાઈ શાહ, ડૉ. કેતન શેલત, પ્રસિદ્ધ નાટ્યલેખક તથા આ સ્પર્ધાના મુખ્ય સ્તંભ એવા પ્રવીણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરીના લલિતભાઈ શાહ, રમાકાંત ભગત અને ‘ચિત્રલેખા’ના પ્રતિનિધિ ફયસલ બકીલીએ દીપ પ્રગટાવીને નાટ્યરસિકોની હાજરીમાં નાટ્યસ્પર્ધાનો દબદબાભેર શુભારંભ કરાવ્યો હતો.
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-2020’ની શરૂઆત કરાવતા સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સંસ્કૃતિ અને ભાષાની રક્ષામાં નાટકો મહત્વનો ભાગ ભજવે છે.
‘ચિત્રલેખા’ અને ભવન્સ કલ્ચરલ સેન્ટરની આ પ્રવૃતિને અને એમાં સહયોગ આપનાર સૌ સંસ્થાઓને પણ પાટીલે બીરદાવી હતી.
સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહએ પણ સંસ્કૃતિની રક્ષા માટે થતી નાટ્ય પ્રવૃતિ માટે તમામ સહયોગની ખાતરી આપી હતી.
જીવન ભારતી મંડળના ડૉ. કેતન શેલતે કહ્યું હતું કે જીવન ભારતી મંડળ પણ આ સ્પર્ધાનો જ અંશ બની ગયું છે.
પ્રવિણભાઈ સોલંકીએ નાટ્યસ્પર્ધા વિષે વિગતવાર માહિતી આપી હતી.
આજના કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ શાહે કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત અને મુંબઈમાંથી એન્ટ્રી માટે આવેલા ૪૮ નાટકોપૈકી પ્રારંભિક સ્પર્ધા માટે 20 નાટકોની પસંદગી થઈ હતી. એ પૈકી ભાવનગર ખાતે 7 નાટકોની ભજવણી થઈ ચૂકી છે. બાકીના 13 નાટકોની ભજવણી સુરતમાં શરૂ થઈ છે. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે પ્રસિદ્ધ નાટ્યકાર જિતેન્દ્ર ઠક્કર, સોનલ વૈદ્ય-કુલકર્ણી અને પ્રવિણ સોલંકી સેવા આપી રહ્યા છે.
આજે નવસારીની જયઘોષ થિયેટર સંસ્થાના ‘મીંડી કોટ’ નાટકથી સુરતમાં સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ, સુરતની શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ (એસઆરકે), જીવન ભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થિયેટર, ભવન્સ કલા કેન્દ્ર-અંધેરી જેવી સંસ્થાઓના સહયોગથી આ સ્પર્ધા યોજાઈ રહી છે.
અહેવાલઃ ફયસલ બકીલી
તસવીરોઃ સુશીલ કુંભારે