મુખ્યપ્રધાન રુપાણીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ લોકાર્પણ પૂર્વેની અંતિમ તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

નર્મદાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે નાયબ મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે સરદાર સરોવર બંધ સ્થળે નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યનિટીના લોકાર્પણની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓઓ અને અન્ય પ્રવાસન સુવિધાઓની થઈ રહેલી કામગીરી નિહાળી હતી.

આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે ૩૧ ઓક્ટોબર સરદાર પટેલ જયંતિએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને રાષ્ટ્રાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એક અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબનું સૌથી ઊંચું સ્ટેચ્યુ આગામી તા.૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે એવા વિશ્વના અજોડ અને ભવ્યત્તમ સ્મારક નિર્માણનો વડાપ્રધાન મોદીનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે, ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વની દેશ અને દુનિયાને પ્રતિતી કરાવશે એમ તેમણે દ્રઢપણે જણાવ્યું હતું.

૩૧ ઓક્ટોબર એ ભારતના ઈતિહાસમાં મહત્વનો દિવસ બની રહેવાનો છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સરદારના વિરાટ વ્યક્તિત્વ અને બૂલંદ મિજાજને ઉજાગર કરતું અને દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપનારૂં સૌથી અનેરૂં સ્મારક ગણાવ્યું હતું. પ્રતિમાના પરિસરમાં શ્રેષ્ઠત્તમ પ્રવાસન સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વકક્ષાનું અજોડ પ્રવાસનધામ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાન રુપાણીએ સરદાર સાહેબની પ્રતિમા, વિવિધ રાજ્યોના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડસ્કેપ વોલ ઓફ યુનિટી તેમજ ૧૭ કિ.મી. લાંબી અને ૨૩૦ હેક્ટરમાં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવરનું જાતનિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ટેન્ટ સિટી, એક ભારત, શ્રેષ્ઠ ભારત ભવન સાઈટ, ફૂડ કોર્ટ, સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, વિઝીટર્સ સેન્ટર વગેરે સ્થળોની પણ મુલાકાત લઇને તલસ્પર્શી વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી જાણી હતી. મુખ્યપ્રધાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સમગ્ર પરિસરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાથોસાથ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે યોજાનાર લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભમાં વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું.