CM રુપાણીએ ઇઝરાયેલમાં કેમિકલ સ્પ્રે, કાયનેટિક સ્ટોરેજ અને બાયો ફિલ્મ્સ અંગેના 3 MoU કર્યાં

ગાંધીનગર-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટર ઇઝરાયેલમાં કામ કરતા યુવા સ્ટાર્ટઅપ માટે આઇડીયા શેરિંગનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, આઇક્રિયેટ તથા સ્ટાર્ટઅપ મિશન જેવા માધ્યમોથી યુવા સાહસિકોના ઇનોવેશન્સને નવું બળ પૂરૂં પાડીયે છીયે તેમાં ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટરની તજજ્ઞતાનો લાભ મળતાં યુવા સ્ટાર્ટઅપને ઊંચી ઊડાન મળશે. ગુજરાતમાં આ તજજ્ઞતા સાથે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલિટીઝ સ્ટાર્ટઅપ માટે નિર્માણ કરવાની નેમ તેમણે દર્શાવી હતી. આઇ-ક્રિયેટ ઇઝરાયેલ-ભારત-ગુજરાત વચ્ચે રિયલ ઇનોવેશન બ્રીજનું  સપનું સાકાર કરી રહ્યું છે.  તેમણે ઉમેર્યું કે, આ એક એવો ઇનોવેશન બ્રીજ છે જ્યાં ઇઝરાયેલના કુશળ ઇનોવેટર્સ અન્ય ઇનોવેટર્સ સાથે કામ કરી શકે છે. પોતાની આગવી ટેકનોલોજી ભારતીય પરિસ્થિતીમાં કઇ રીતે અનુકુળ આવે તેનું નિદર્શન પણ કરે છે અને ઇન્ડીયન માર્કેટમાં પોતાનો કાર્યવિસ્તાર સ્થાપીને વ્યાપક પણ બનાવી શકે છે.

રુપાણીએ જણાવ્યું કે સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ અને પીયર્સ પ્રોગ્રામ ફોર ગ્લોબલ ઇનોવેશન જેવી સંસ્થાઓએ ઇઝરાયેલને ઇનોવેશન પાવર હાઉસ બનાવવામાં બળ પૂર્યુ છે. હવે ગુજરાતમાં આઇ-ક્રિયેટમાં તેમની સક્રિય સહભાગીતાથી સ્ટાર્ટઅપને તેમના અનુભવોની વિશાળતાનો વ્યાપક લાભ મળતો થશે. સીએમની ઉપસ્થિતિમાં  ઇઝરાયેલના ત્રણ ઇનોવેટીવ સ્ટાર્ટઅપ્સે ગુજરાતના આઇ-ક્રિયેટ સાથે MoU કરીને ગુજરાતમાં પોતાની ટેકનોલોજીનો પાયલોટ પ્રોજેકટ તરીકે લાભ આપવાની ઉત્સુકતા દર્શાવાઇ હતી.આ ત્રણ એમ.ઓ.યુ. અન્વયે ઇઝરાયેલના બાયોફિડના ડૉ. નિમરોદે ફળ-ફળાદીમાં જંતુઓ-જીવાતના નિયંત્રણ માટેકેમિકલ સ્પ્રેનો ઓછો વપરાશ કરીને પણ નિયંત્રણ થઇ શકે તેવી ઇનોવેટીવ ટેકનોલોજી અંગેના MoU ગુજરાતના આઇ-ક્રિયેટ સાથે કર્યો છે.

ગુજરાતના આઇ-ક્રિયેટ સાથે ઇઝરાયેલની ઇનોવેટિવ ટેકનોલોજીના ત્રણ MoU થયાં
ફળફળાદિમાં જીવાત નિયંત્રણ માટે કેમિકલ સ્પ્રેના ઓછા વપરાશની ઇનોવેટિવ ટેકનોલોજી માટે બાયોફિડના MoU
ગંદા પાણીના શુધ્ધિકરણની માત્રા અને ગતિ વધારવા માટે ઇનોવેટિવ બાયોફિલ્મના ઉપયોગના MoU
ઇલેકટ્રીક વાહનોની બેટરીના ફાસ્ટ ચાર્જીંગ માટેની ઇનોવેટિવ ટેકનોલોજી વિનિયોગ MoU

ગંદા પાણીના શુધ્ધિકરણની માત્રા અને ગતિ વધારવા માટે ઇનોવેટીવ બાયો ફિલ્મ્સના ઉપયોગ માટે એકવાઇઝના શ્રીયુત એલાડ ફ્રેન્કેલેએ પણ MoU કર્યા હતા.
ત્રીજો MoU ઇલેકટ્રીક વાહનોની બેટરીના ફાસ્ટ ચાર્જીંગ માટેની કાયનેટીક સ્ટોરેજ અંગેનો કરવામાં આવ્યો છે. આ MoU ચક્રાટેકના ઇલેન બેન ડેવિડે કર્યો હતો.
આ ત્રણેય MoU કરનારા સ્ટાર્ટઅપ કંપનીઓ સહિત અન્ય ઉત્સુક સ્ટાર્ટઅપને ગુજરાતમાં આઇ-ક્રિયેટ અમદાવાદમાં તેમનાં કારોબારની સ્થાપના માટે માર્ગદર્શન પુરૂં પાડશે.

આઇ-ક્રિયેટ આ સાથે જ તેમની ટેકનોલોજીના નિદર્શનોના પાયલોટ પ્રોજેકટ માટે તેમજ ભારતમાં યોગ્ય વ્યવસાયિક મોડેલ માટે પણ ઉપયોગી થશે. આ ત્રણ એમ.ઓ.યુ. ઉપરાંત ધી પીયર્સ પ્રોગ્રામ ફોર ગ્લોબલ ઇનોવેશનના ડૉ. એલિઝા બેલ્મેને પણ આઇ-ક્રિયેટ સાથે MoU કર્યા છે. ધી પીયર્સ પ્રોગ્રામ ઇઝરાયેલમાં સમાજજીવનની સમસ્યાઓના નિવારણ માટે ટેકનોલોજી આધારિત ગ્રાન્ડ ચેલેન્જીસ અને હેકાથોનનું આયોજન કરે છે.