વલસાડઃ અણઘડ વહીવટથી રુંધાયું જિલ્લાનું સૌથી મોટું ગામ

વલસાડઃ આ છે વલસાડ જિલ્લાનું છીરી ગામ. આ ગામને જિલ્લાના ગામો પૈકી સૌથી વધારે વસતી ધરાવતા ગામની ઉપમા મળી છે. પરંતુ કરુણતા છે આ ગામમાં તંત્ર દ્વારા થઈ રહેલો અણઘડ વહીવટ. હવે રાજ્ય સરકાર દ્વારા ગમે તેટલો વિકાસ કરવામાં આવી રહ્યો હોય પરંતુ ગામમાં અણઘડ વહીવટ કરવામાં આવતો હોય તો સ્વાભાવિક રીતે જનતાને વિકાસના મીઠાં ફળ ચાખવાં ન જ મળે.

છીરી ગામના લોકોની સમસ્યાઓ અનેક છે. ગામના લોકોનું માનીએ તો છીરી ગામનો વિકાસ તો વર્ષ 2006થી શરૂ થયો છે પરંતુ કર્તાધર્તાની અણઆવડતે ગ્રામજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સ્થાનિકો લોકોના જણાવ્યાં અનુસાર ગામમાં વિકાસના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ તે યોગ્ય દિશામાં ખર્ચાતાં નથી અને પરિણામે પરિસ્થિતિ જેમની તેમ જ રહે છે.

આજે ગામમાં પાણી વેરો, સફાઇ વેરો લેવાય છે પરંતુ ગામમાં ક્યાંય સફાઇ થતી નથી જ્યા જુઓ ત્યાં કચરાના ઢગ ખડકાયેલા છે ગામમાં પાણી માત્ર ૧૦ કે ૧૫ મીનીટ મળે છે મોટી મોટી ઇમારતોને પાંચ માળ સુધીની મંજૂરી આપી દીધી છે પરંતુ બિલ્ડરોએ આસપાસ નિયમોનુસાર જગ્યા છોડી છે કે કેમ? પાર્કિંગની સુવિધા ગટરની સુવિધા આપી છે કે કેમ? આ તમામ બાબતોને લઈને ગામના સત્તાધીશો દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. અહીં સવાલ એ થાય કે ગામમાં જ્યારે પારદર્શક વહીવટ જ ન થતો હોય તે આદર્શ ગામ કેવી રીતે બને ?

ગામના પૂર્વ સરપંચ અને હાલ વિપક્ષમાં રહેલા ધનસુખભાઇએ જણાવ્યું કે ગામમાં સ્વચ્છતા અભિયાનના નામે મીંડુ છે, નથી સફાઇ કે નથી ટીમવર્કથી કામ થતાં, જીઆઇડીસીના કેમિકલયુક્ત કચરાથી અને ધુમાડાથી ગામમાં આરોગ્ય પર મોટો ખતરો તોળાઇ રહ્યો છે અમે પણ વિકાસમાં માનીએ છીએ પરંતુ એ માટે મનસ્વી નિર્ણયો લેવાથી વિકાસ ક્યારેય સંભવ નથી જેથી પાયાની સુવિધાઓ ગામલોકોને મળી શકતી નથી.

છીરી ગામમાં અંદાજિત 300 જેટલી પાંચ માળની ઈમારતો આવે છે. પરંતુ ઈમારત બાંધતી વેળાએ કોઈ જગ્યાએ સરકારી નિયમોનું કોઈ જ પાલન કરવામાં આવ્યું નથી. ફ્લેટની અનેક સ્કીમો એવી છે કે જેને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવી છે. હવે ઈમારતો બાંધી દેવાથી કંઈ વિકાસ થઈ ન જાય. વિકાસ ત્યારે થાય જ્યારે વહીવટમાં પારદર્શિતા હોય. આ મુદ્દે અવારનવાર ગામના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો પણ કરાઇ છે પરંતુ ગામના સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે છીરી ગામ જિલ્લાનું સૌથી મોટું ગામ હોવા છતાં પણ કરુણ પરિસ્થિતિમાં છે. જોવાનું એ રહેશે આખરે ક્યારે છીરી ગામની જનતાને વિકાસના સાચાં ફળ ક્યારે ચાખવા મળે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]