વડીલો માટે શિબિરઃ મન અને અંતરાત્માનો સીધો અને અતૂટ સંબંધ કેવી રીતે?

સેલવાસ- ‘પૃથ્વી અને બ્રહ્માંડમાં વધી ગયેલા પ્રદૂષણોની આપણને ફિકર નથી તેમ આપણા શરીરની અંદર ઘર કરી ગયેલા પ્રદૂષણનો પણ વિચાર કરતા નથી. શરીર ઉપર અને શરીરની અંદર થતા દરેક ફેરફારને માનવીના મન અને અંતરાત્મા સાથે સીધો અને અતૂટ સંબંધ છે. માણસની પોતાની કોઈપણ બાબતની ગેરરીતિ મનને અશાંતિ આપે જ. ઈર્ષાળુ, લોભી અને વધારે પડતા કામી માણસોને તાણ ભયંકર સતાવે છે. વધારે પડતું બોલવાની આદત શરીરની ઊર્જાને નષ્ટ કરે છે. આવા માણસ હંમેશાં અસ્વસ્થ જ હોવાના.’ એમ જાણીતા લેખક અને વક્તા ચંદ્ર ખત્રીએ વાપીના સેલવાસમાં યોજાયેલ સિનિયર સિટીઝનોની ચાર દિવસ માટે યોજાયેલી તાલીમ શિબિરમાં જણાવ્યું હતું.વયસ્કોની પાછલી ઉંમર વધુ આનંદકારી બને તેવા હેતુ સાથે યોજોલી આ શિબિરમાં ‘પ્રસન્ન જીવન’ શિબિરના સર્જક ચંદ્ર ખત્રીએ કહ્યું: ‘મન જે જે વસ્તુની છાપ પકડે છે એ બધા તરંગોની અસર તે જ સમયે શરીર પર થવી શરૂ થાય છે. શરીરની અંદર કોઈ ગ્રંથિન બને એ અવસ્થા શરીર શુદ્ધિ કહેવાય. શરીર શુદ્ધિ એટલે શરીરની ગ્રંથિઓનું વિસર્જન. જુની ગ્રંથિઓ ઓછી થાય અને નવી બને નહિ તેનો ઉપાય કરવો ઘટે. જો કે સભાનતાપૂર્વક એમ થતું નથી. ઉપવાસ-મૌન-ધ્યાન-યોગ વગેરે શરીરને શુદ્ધ કરે છે. ધ્યાનનો શરીર પર સીધો પ્રભાવ પડે છે.

ચિંતા ફિકરથી મુક્ત ન રહી શકતા વ્યક્તિએ માનસિક ઉપચાર વિશે વિચારવું જોઈએ. બહારનું વાતાવરણ અને ઊભા થયેલા સંજોગો આપણી ઇચ્છા મુજબ ન બદલાય ત્યારે જ કમઠાણ ઊભું થાય છે. આવા વખતે શાતામાં રહેવાનો સહુથી સસ્તો રસ્તો એ છે કે પોતાનું મનોવલણ બદલી નાખવું. સામે આવેલી ક્રિયાની સામે આપણી પ્રતિક્રિયા કયા પ્રકારની હોવી જોઈએ એ મૂળથી સમજીને એને અમલમાં મુકવાનો અભ્યાસ પાકો કરી લેવો પડે. આમ શારીરિક આરોગ્યની જેમ માનસિક આરોગ્ય વિશે સજાગ રહેવું જોઈએ કારણ કે આપણું મનોવલણ એને ઘડે છે.જીવન સફરમાં આંચકા પચાવવાની શક્તિ, પરિસ્થિતિને સાચી રીતે સમજવાની સૂઝ, સત્ય પારખવાની ઉત્કંઠા, સહુ પ્રત્યે પ્રેમાળ વર્તન, પોતાનું કામ કે ધંધો ગમે તેવો નાનો-મોટો હોય પરંતુ તેમાં આનંદ પામવાની ટેવ, અંતરઆત્માના અવાજને સાંભળતા રહેવાનો અભ્યાસ, કડવા પ્રસંગને ભૂલી જવાની કુનેહ, કોઈને પણ હિનભાવથી નહિ જોવાની તટસ્થતા, સામેવાળાથી વધુ પડતા અંજાઈ નહિ જવાની સજાગતા, આ અને બીજા કેટલાંક માપદંડ માણસના માનસિક આરોગ્ય સાથે સંબંધિત બની રહે છે.સામાન્ય રીતે વેરવૃત્તિ માટે સાદી સમજ એવી છે કે વેર એટલે બીજા સાથે દુશ્મનાવટ. પરંતુ વેરવૃત્તિને વિશાળ પરીપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે. સ્વભાવની ઉગ્રતા, અસહિષ્ણુતા, કારણ વગરનો અણગમો પછી તે વ્યક્તિ ઉપરનો હોય, કામ માટેનો હોય કે વાતાવરણ માટેનો હોય, ચીડચીડ કર્યા કરવું, વિચારોમાં આક્રમક જુસ્સો રહેવો, નાની નાની વાતે ગુસ્સો આવી જવો વગેરે બાબતો વેરવૃત્તિમાં આવે છે. સંશોધનમાં જણાયું છે કે વેરવૃત્તિ, સ્વાર્થવૃત્તિ અને સતત ટીકાત્મક વલણ એ ત્રણે કૉરોનરી ધમનીઓ માટે નુકસાનકારક છે. ભય એ કૉરોનોરી હૃદયરોગની માત્રાને વધારે છે. મિથ્યાભીમાન અને હતાશા હૃદયના ધબકારાને અસર કરતા હોઈ શરીરના રક્ત પરિભ્રમણ ઉપર ખરાબ અસર કરે છે.’

શિબિરમાં ઉપસ્થિત વયસ્કોને ચંદ્ર ખત્રીએ માનસિક શાંતિ માટેના ધ્યાનના અનેકવિધ પ્રયોગો અને શારીરિક તંદુરસ્તી માટેના પ્રયોગોની તાલીમ આપી હતી.