દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ફરાર, દિલ્હી પોલીસે શરુ કરી તપાસ

ભૂજઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને દિલ્હી પોલીસ જ્યારે અમદાવાદ ખાતે પકડવા માટે આવી ત્યારે છબીલ પટેલ ત્યાં ન મળ્યા જેથી હવે દિલ્હી પોલીસ ભુજ ખાતે પહોંચે તેવી શક્યતાઓ છે. જો કે બીજીતરફ ભુજના હરિપર રોડ પર આવેલો છબીલ પટેલનો બંગ્લો દિવાળી પહેલાથી જ બંધ હાલતમાં છે. તો ભૂજ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને પણ તાળા મારીને અબડાસાના આ પૂર્વ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે. જેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે.

નડિયાદની એક વિધવા મહિલા દ્વારા અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેેલ પર દુષ્કર્મનો આરોપ મુકીને દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં જણાવાયુ હતુ કે, દુષ્કર્મ કરવા ઉપરાંત છબીલ પટેલે તેને બ્લેકમેઇલ કરી ધમકી પણ આપી હતી. દુષ્કર્મની ફરિયાદ પછી છબીલ પટેલે સ્વાભાવિક રીતે જ આ ફરિયાદને ખોટી ગણાવીને પોતાની સામેનું રાજકીય ષડયંત્ર ગણાવ્યુ હતુ.

છબીલ પટેલે પહેલા આ ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યું હતું જો કે અત્યારે હાલ તેઓ પોલિસ તપાસથી ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દુષ્કર્મની ફરિયાદ બાદ દિલ્હી પોલીસ પોતાની તપાસના ભાગરુપે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી સ્થિત તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે છબીલ પટેલ ત્યાં મળી આવ્યા નહોતા. પરિણામે હવે દિલ્હી પોલીસ છબીલ પટેલનો છેડો શોધવા ભુજ આવે તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જો કે, ભુજમાં હરિપર રોડ પર સરદાર પટેલ નગરમાં આવેલો છબીલ પટેલનો બંગલો તો દિવાળી પહેલાથી જ બંધ છે. દુષ્કર્મના આરોપનો સામનો કરવાના બદલે છબીલ પટેલ ફરાર થઇ જતા કચ્છનું રાજકીય વાતાવરણ ઓર ગરમાયુ છે.