ગાંધીનગર- દેશદુનિયામાં બનતી વિવિધ કુદરતી અથવા માનવસર્જિત ભયંકર ઘટનાઓમાં ભોગ બનેલા લોકોની યોગ્ય, સમયસર ઓળખ થાય અને સન્માનભેર તેની યોગ્ય વ્યવસ્થા સંબંધી સંશોધન અને અભ્યાસ કરવા માટે આજે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં શરૂ થયેલ વિશ્વનું સૌ પ્રથમ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ ખૂબ મહત્વનું સાબિત થશે.ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુરે સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સના ઉદઘાટન પ્રસંગે આમ જણાવ્યું હતું. વિશ્વમાં ભૂકંપ, પૂર, વાવાઝોડું જેવી કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોની સાચી ઓળખ કરી તેમના મૃતદેહોને તેમના સ્વજનો સુધી સમયસર માનભેર પહોંચાડવા એ મોટી સમસ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસના સંયુકત ઉપક્રમે ગાંધીનગર ખાતે શરૂ થયેલા આ સેન્ટર અને વિવિધ નવા અભ્યાસક્રમ તેમજ ત્રિદિવસીય વૈશ્વિક સીમ્પોઝીયમ હ્યુમેનીટેરીયમ ફોરેન્સિક્સ અનેકક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપશે અને મનુષ્યને મદદરૂપ થશે તેમ જણાવીને સમગ્ર વિશ્વ માટે ઉપયોગી એવું આ સેન્ટર શરૂ કરવા બદલ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એમ.ડી., ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસ અને ફેકલ્ટીઝને ડાગુરે અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ શ્રી ડૉ.જે.એમ.વ્યાસે જણાવ્યું કે આ પ્રકારના સેન્ટરથી ઇમરજન્સીમાં આપત્તિજનક બનાવ વખતે યોગ્ય મેનેજમેન્ટ અને પ્લાનીંગ અંગેની તાલીમ આપવામાં આવશે. આ સેન્ટર ખાતે વિવિધ શૈક્ષણિક તેમજ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ, તાલીમ અને ટેકનિકલ એક્સપર્ટીઝ પુરા પાડવા ઉપરાંત સંશોધન અને ઇનોવેટિવ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.
ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસ હેડ ઓફ રીજિયોનલ ડેલીગેશન શ્રી જેરમી ઇન્ગ્લેન્ડે રેડક્રોસની વૈશ્વિક ક્ષેત્રે માનવહિત માટેની કામગીરીની રૂપરેખા આપતાં કહ્યું હતું કે, વિશ્વના પ્રથમ એવા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સના પ્રારંભથી વૈશ્વિક સ્તરે હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ ક્ષેત્રે જી.એફ.એસ.યુ. અને આઇ.સી.આર.સી. નવા કીર્તિમાન સ્થાપિત કરશે. શ્રી જેરેમીએ ખૂબ જ ટૂંકાગાળામાં આ સેન્ટર શરૂ કરવા બદલ રાજ્ય સરકાર અને ખાસ કરીને જી.એફ.એસ.યુ.ના ડાયરેકટર જનરલ ડૉ.જે.એમ.વ્યાસનો આભાર વ્યક્ત કરીને આવનાર સમયમાં આ સેન્ટર તમામના સંયુકત પ્રયાસોથી સેન્ટર ફોર એક્સલન્સ બનશે.
આ સાથે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વના સૌ પ્રથમ ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેન્ટર ફોર હુમેનિટેરિયન ફોરેન્સિક્સમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવવા માટે જી.એફ.એસ.યુ. અને આઇ.સી.આર.સી. વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
ત્રિદિવસીય ઇન્ટરનેશનલ સિમ્પોઝીયમ ઓન હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સમાં વિવિધ વિષયોના ચાર સેશન અને એક પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં ભારત સહિત ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ, આયર્લેન્ડ, જર્મની અને શ્રીલંકાના નિષ્ણાત વકતવ્યો આપશે.