બાલાછડી સૈનિક શાળામાં 59મા વાર્ષિક દિનની ઉજવણી

જામનગરઃ શહેરમાં આવેલી બાલાછડી સૈનિક શાળામાં 24 ડિસેમ્બર, 2020એ 59મા વાર્ષિક દિવસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. બાલાછડી સૈનિક શાળાના ભૂતપૂર્વ તાલીમાર્થી પીઢ એર માર્શલ એસ.સી. મુકુલ PVSM, AVSM, VM, VSM આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો અને સરસ્વતી વંદના કરવામાં આવી હતી. બાલાછડી સૈનિક શાળાના આચાર્ય ગ્રુપ કેપ્ટન રવીન્દ્રસિંહે શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં આચાર્યએ વિવિધ શૈક્ષણિક, ખેલકૂદ અને અભ્યાસક્રમ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં વર્ષ 2019-20માં વિશેષ પ્રવીણતા પ્રાપ્ત કરી હોય તેવા કેડેટ્સને ઇનામો, ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું.

ઓલ રાઉન્ડ પર્ફોર્મન્સ માટે સૌથી પ્રતિષ્ઠિત ‘કૂક હાઉસ ટ્રોફી’ એન્જર હાઉસને પ્રાપ્ત થઈ હતી. શ્રેષ્ઠ NDA કેડેટ તરીકેની ‘કેપ્ટન નીલેશ સોની ટ્રોફી’ સરદાર પટેલ હાઉસના કેડેટ વિવેકકુમારને આપવામાં આવી હતી. સરદાર પટેલ હાઉસના કેડેટ મીત બોડા અને કેડેટ સુધાંશુકુમારને ‘શ્રેષ્ઠ ઓલ રાઉન્ડ કેડેટ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે ટાગોર હાઉસના કેડેટ યોગેશકુમારને વર્ષના ‘શ્રેષ્ઠ એથ્લેટ-સ્પોર્ટ્સમેન’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્ય અતિથિએ કેડેટ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. તેમણે ઇનામો મેળવનાર તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કેડેટ્સને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન, સત્યવાન, શિસ્તપાલક તેમ જ સમર્પિત બનવાની પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે ઓનલાઇન વાર્ષિક કળા અને વિજ્ઞાન પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. માતા-પિતા અને કેડેટ્સ યુટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગના માધ્યમથી આ વાર્ષિક દિન કાર્યક્રમ અને પ્રદર્શનમાં જોડાયા હતા.