અધિકારીઓનું ધ્યાન રાખતું ચૂંટણીપંચ, આ મુદ્દે તરત આપશે કેશલેસ…

ગાંધીનગર- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન ચૂંટણી ફરજ પરના તમામ સ્ટાફને સ્વાસ્થ્ય બગડવા પ્રસંગે ‘‘કેશલેસ’’ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ ઠરાવ અનુસાર ચૂંટણી કાર્યમાં રોકાયેલ તમામ મુલ્કી તથા પોલીસ કર્મચારીઓ/અધિકારીઓ, કેન્દ્રીય હથિયારી પોલીસ દળના સ્ટાફ, ચૂંટણી ફરજ પરના ડ્રાયવર/ક્લીનર (રેક્વિઝિટ કરેલ ખાનગી વાહનના ડ્રાયવર/ક્લીનર સહિત) ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના વીડિયોગ્રાફર તમામ સ્ટાફને આ કેશલેસ સારવારનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારની જિલ્લા, તાલુકા કક્ષાએ આવેલ હોસ્પિટલો તેમજ મેડિકલ સંલગ્ન હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ચૂંટણી ફરજ પરના સ્ટાફને નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવશે. બહારની દવાઓ, ઇમ્પ્લાન્ટનો ખર્ચ પણ હોસ્પિટલ દ્વારા અપાશે.

આ ઉપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ અને ઇન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે પણ નિ:શુલ્ક સારવાર પૂરી પડાશે તથા તેનો સંભવિત ખર્ચ રી-એમ્બર્સ કરવાનો રહેશે. સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીના પ્રમાણપત્રના આધારે તાકીદના સંજોગોમાં નજીકની ખાનગી હોસ્પિટલોમાં પણ કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે.

જો કે, ચૂંટણી પરની ફરજ પરના સ્ટાફને જ્યારથી ચૂંટણી ફરજ સોંપવામાં આવે ત્યારથી ચૂંટણી ફરજ પૂર્ણ થાય તે દિવસ સુધી આ સુવિધા મળવાપાત્ર રહેશે.