બાવળા રોડ પર ગોઝારો અકસ્માત, ત્રણ કાર અથડાઈ, 2 મોત, 4 ગંભીર, 11 ઘાયલ

અમદાવાદ– અમદાવાદથી બાવળા જતાં માર્ગ પર ચાંગોદર રોડ પાસે થયેલાં એક અકસ્માતે મકરસંક્રાંતિના પર્વે મોતનો માતમ સર્જી દીધો હતો. ઇકો કાર, વેગન આર અને એસન્ટ કારનો અકસ્માત થતાં બે મહિલાના મોત નીપજ્યાં છે જ્યારે અન્ય ચાર વ્યક્તિની હાલત ગંભીર છે. તેઓને સારવાર માટે 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. ઉપરાંત 11 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

આ અકસ્માતમાં 11થી વધુ વ્યક્તિને નાનીમોટી ઈજાઓ પણ થઈ છે,જેમને  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ચંદુભાઇ છગનભાઇ ચૌહાણ (54 વર્ષ), પ્રતીકભાઇ કનુભાઇ ચૌહાણ (28 વર્ષ), કિરણભાઇ કનુભાઇ ચૌહાણ (24 વર્ષ), વસરામભાઇ ધોરાભાઇ જોગરાણા (48 વર્ષ), જસુબેન જેનસિંગભાઇ જોગરાણા (55 વર્ષ), વિઠ્ઠલભાઇ ધોરાભાઇ જોગરાણા (35 વર્ષ), લક્ષ્મણભાઇ ધોરાભાઇ જોગરાણા (40 વર્ષ), ભવનભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (45 વર્ષ), કનુભાઇ છગનભાઇ મિસ્ત્રી (55 વર્ષ), દાનાભાઇ ભગવાનભાઇ ભરવાડ (56 વર્ષ)ને સારવાર માટે દવાખાને ખસેડાયાં હતાં.

મળતી માહિતી પ્રમાણે બાવળા ચાંગોદર રોડ પર એસન્ટ કાર અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહી હતી. તે દરમિયાન અચાનક કારનું ટાયર ફાટી ગયુ હતું. ટાયર ફાટતાં જ સામેથી આવતી ઇકો અને વેગનઆર સાથે અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સવારના સાડા સાતની આસપાસ થયેલાં આ અકસ્માતમાં ગાડીઓ એટલી જોરથી અથડાઈ હતી કે આસપાસમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને તરત પોલિસે જાણ કરતાં પોલિસ પહોંચી ગઈ હતી તેમ જ એ્મ્બ્યૂલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.