ગુજરાતમાં વધ્યો કેન્સરનો ભરડો, પ્રતિષ્ઠિત સ્ટડી રીપોર્ટની વાંચો વધુ વિગતો

અમદાવાદઃ પરિવારમાં જ્યારે પણ કોઈને કેન્સર થાય છે ત્યારે આખો પરિવાર તૂટી જાય છે અને તમામ લોકોના જીવનમાં વખ ઘોળાઈ જાય છે. કેન્સર મામલે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. લેન્સન્ટ સ્ટડી ધર્ડન ઓફ કેન્સર એન્ડ ધેર વેરિએશન અક્રોસ ધ સ્ટેટ્સ ઓફ ઇંડિયા અનુસાર ગુજરાતમાં કેન્સર પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે. સ્ટડીના રિપોર્ટ અનુસાર હોઠ અને મોઢાના કેન્સરનું પ્રમાણ અને દર્દીના મૃત્યુ મામલે દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. લ્યુકેમિયામાં ત્રીજા ક્રમે અને બ્રેસ્ટ કેન્સરમાં આંઠમા ક્રમે છે.

સ્ટડીમાં 1990 થી 2016 વચ્ચેનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઓવરઓલ લોકોને કેન્સર થવાની ઘટનામાં વધારો થયો છે. 1990માં 55.5 લાખ વ્યક્તિઓ કેન્સરથી પીડાતા હતા જેની સંખ્યા વર્ષ 2016માં 75.8 લાખ થઈ ગઈ છે. મહિલા અને પુરુષો બંન્નેને થતા વિવિધ કેન્સરનું પ્રમાણ આ સમયગાળા દરમિયાન વધ્યું છે.

કેન્સરથી વર્ષ 2016માં મહિલાઓનો મૃત્યુદર 50.6 પ્રતિ લાખ જ્યારે પુરુષોમાં મૃત્યુદર 60.3 પ્રતિલાખ જોવા મળ્યો. માત્ર વર્ષ 2016માં જ મહિલા અને પુરુષ બંન્નેના મોઢામાં કેન્સરનું પ્રમાણ 16.1 વ્યક્તિ પ્રતિ લાખ હતું જેનું એકમાત્ર કારણ છે તમાકુનું સેવન, સ્મેકિંગ અને દારુનું સેવન. બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ 11.5 વ્યક્તિ પ્રતિ લાખ, ફેફસાના કેન્સરના 6.8 વ્યક્તિ પ્રતિ લાખ છે.

સ્ટડી અનુસાર પુરુષોમાં કેન્સરના કારણે થતા મોત માટે મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને ગળાનું કેન્સર જવાબદાર છે. તો મહિલાઓમાં કેન્સરથી થતા માત માટે બ્રેસ્ટ કેન્સર, આંતરડા અને ગુદામાર્ગનું કેન્સર જવાબદાર છે.