કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક રદ, ધાનાણીએ કહ્યું “રાજનૈતિક બલિદાન”

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા આજે યોજાનારી વર્કિંગ કમિટીની બેઠક રદ કરવામાં આવી છે. તો આ સાથે જ ગુરુવારના રોજ બપોરે 1:00 વાગ્યે ત્રિમંદિર, અમદાવાદ ખાતે યોજાનારી ઐતિહાસિક જન સંકલ્પ સભા તેમ જ અમદાવાદના અન્ય કાર્યક્રમો દેશની વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસે જણાવ્યું કે રાષ્ટ્રની રક્ષા, સરહદોની સુરક્ષા અને શહીદોના સ્વાભિમાન કાજે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ 28મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે આયોજિત કોંગ્રેસ કાર્યસમિતિ સહિત તમામ રાજકીય કાર્યક્રમો રદ કરીને રાજધર્મ નિભાવવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ કરી રહી છે. 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસની કારોબારી બેઠક મળવાની હતી. બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ સહિતનું શીર્ષસ્થ નેતૃત્ત્વ 28મી ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે આવવાના હતા પરંતુ આ કાર્યક્રમ હવે રદ કરવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ આદરી હતી. કોંગ્રેસ પક્ષની 28 તારીખે યોજાનાર કારોબારીમાં ભાગ લેવા માટે આજે ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ખજાનચી અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલ,લોકસભા વિપક્ષના નેતા અને પૂર્વ પ્રધાન મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભા વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ્, લોકસભાના પૂર્વ સ્પીકર મીરાંકુમાર, પૂર્વ પ્રધાન આનંદ શર્મા, કે.સી. વેણુગોપાલ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત, પૂર્વ ખજાનચી મોતીલાલ વોરા, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા, પૂર્વપ્રધાન કુમારી શૈલજા, આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરૃણ ગોગોઈ, એ.કે.એન્ટની સહિતના 25 જેટલા નેતાઓ અમદાવાદ પહોંચવાના હતા. મોટા ભાગના મહેમાનો સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરવાના હતા.