અમેરિકા અને ગણપત યુનિવર્સિટી વચ્ચે થશે એમઓયુ

અમદાવાદઃ અમેરિકાના કેલિફોર્નિયાની એક જાણિતી યુનિવર્સિટી કાલ પોલી પોમોનાના ત્રણ વિદ્વાન મહાનુભાવોનું એક ડેલિગેશન ગુજરાતની ગણપત યુનિવર્સિટીની એક સપ્તાહની મુલાકાતે આવી રહ્યું છે. આગામી તારીખ 23 થી 29 દરમિયાન આ જૂથ યૂનિવર્સિટી ખાતે રોકાશે, યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ઈન્સ્ટીટ્યૂટ્સની મુલાકાત લેશે, બહુવિધ શૈક્ષણિક હેતુઓ સાથે આ લોકો વિચાર વિમર્શ કરશે, બંન્ને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીઝ એક્સચેંજ પ્રોગ્રામ અને ટીચિંગ ઉપરાંત અભ્યા-સંશોધન, સ્ટડી ટૂર, જોઈન્ટ કન્સલ્ટન્સી વર્ક સહિતના મુદ્દાઓ વિશેનું એક MOU પણ સાઈન કરશે.

ગણપત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન આ મહેમાનો વિવિધ વિદ્યાશાખાના ફેકલ્ટી મેમ્બર્સ સાથે ચર્ચા-વિચાર વિમર્શ કરશે. જેમાં ડો. રેન્સિસની સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના ફેકલ્ટી મેમ્બર્સ સાથેની ચર્ચા-વિચારણા તેમજ બીજી ડો. બહર બેહનામની એન્જિનિયરિંગ ડિગ્રી-ડિપ્લોમાના ફેકલ્ટી મેમ્બર્સ સાથેની જ્ઞાન-ગોષ્ઠીનો સમાવેશ થાય છે.