ગુજરાતી કંપની જેણે કર્મચારીઓને આપ્યું ‘વેકેશન’ પરિવાર સાથે જિંદગી માણવા…

અમદાવાદ- કામકાજ સાથે સંકળાયેલા પુખ્ત વયના લોકો ડેડલાઈન અને ચિંતાના ભાર નીચે રહેતા હોય છે. આથી ઉનાળાના વેકેશનનો રોમાંચ તેમના મનમાંથી ભૂલાઈ ગયો હોય છે. આપણી બાળપણની ઉત્તમ યાદો કઈ છે? આપણાંમાંથી મોટાભાગના લોકોએ ચોક્કસપણે આનંદપ્રમોદ, સૂરજનો તડકો, ઉનાળાની રજાઓમાં માણવામાં આવતાં ખટમીઠાં શરબતને યાદ કર્યા હશે.

કામકાજ અને જીવન વચ્ચેની સારી સમતુલાનું મહત્વ સમજીને તથા કર્મચારીઓની બાળપણની યાદોનો ખજાનો તાજો કરવા કેડિલા ફાર્માસ્યુટિકલ્સે તાજેતરમાં 22 થી 25 મે દરમિયાન તેના સમગ્ર સ્ટાફ માટે 4 દિવસની રજા જાહેર કરી છે. ફાર્મા ઉદ્યોગમાં કર્મચારીઓના બાળકોના ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને આ પ્રકારની રજાઓ પ્રથમ વખત અપાઈ છે.

ડોક્ટરોની ચેમ્બરની બહાર લાંબી પ્રતીક્ષા, ફીલ્ડ વર્કમાં વીતતા ઘણાં દિવસો, વેચાણ વધારવાનું દબાણ, સ્ટોક મેનેજમેન્ટ અને ઘણી બધી બાબતોને કારણે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં તણાવ વધવાનું સ્વાભાવિક રહે છે. આ ઉપરાંત સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક, પ્લાન્ટ ચાલુ રાખીને ઉત્પાદન કરવાને કારણે પ્રોડક્શન એકમના સ્ટાફને પોતાના અન્ય કામ માટે સમય મળતો નથી. આ ઉપરાંત અધિકારીઓએ ઘણી વખત શહેરની બહાર પ્રવાસ કરવો પડે છે, ક્યારેક વિદેશ પણ જવું પડે છે. આ સ્થિતિમાં તેમના સ્વજનો સાથે ઉત્સવો ઉજવવાનું અને સારો સમય ગાળવાનું શક્ય બનતું નથી. ઘણી બધી નોકરીઓમાં કામમાંથી રજા મળતી હોય છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સે કામનો ભોગ આપીને તેમના કર્મચારીઓને તેમના વેતન સાથેની રજા આપી છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સીએચઆરઓ સુનીલ સિંઘ જણાવે છે કે “હું અહીંયા જોડાયો ત્યારે મને અહીંની કાર્યસંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.” અત્યાર સુધીમાં સિંઘ એક કે બીજી પદ્ધતિ બદલવા માટે પ્રયત્નશીલ રહ્યાં છે. પર્ફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમમાં સુધારાની તેમણે શરૂઆત કરી છે અને તેને ‘હેપ્પી શિફ્ટ’ નામ આપવામાં આવ્યું છે.