કૃષિવિભાગની 3477 કરોડની અંદાજપત્રીય માગણીઓ ગૃહમાં પસાર

ખેડૂતલક્ષી નિર્ણયોથી ગુજરાત આજે કૃષિ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ સ્થાને છે: કૃષિપ્રધાન આર.સી.ફળદુ

ગાંધીનગર– ગુજરાતે પ્રથમ રહેવાના અભિગમને કૃષિક્ષેત્રે આજે પણ બરકરાર રાખ્યો છે. અપૂરતા વરસાદથી લઇ અતિ વરસાદ સહિત ગ્લોબલ વોર્મિંગની સ્થિતિમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગે વિવિધ ખેડૂતલક્ષી નિર્ણયો લીધા અને ધરતીપુત્રોએ અથાગ મહેનત કરી જેના સમન્વયથી ગુજરાત કૃષિ ક્ષેત્રે પણ અવ્વલ નંબરે આજે છે.કૃષિ અને સહકાર વિભાગની રૂા.૩૪૭૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓને વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવી હતી. કૃષિ વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો વિપક્ષના પ્રશ્નોનો ઉત્તર આપતા કૃષિપ્રધાને જણાવ્યું હતું કે, સરકારની કૃષિ નીતિ અને કૃષિ મહોત્સવો, જળ સંચયના કામો, કૃષિ યાંત્રિકરણ અને ખેડૂતોને તેમની પેદાશોના વેચાણ માટેની યોગ્ય બજાર વ્યવસ્થાને લઇ ખેડૂતોને અને રાજ્યના અર્થતંત્રને ફાયદો થયો છે.

કૃષિ વિભાગમાં પાક વ્યવસ્થા હેઠળની જોગવાઇ ૨૦૧૭-૧૮માં ૨૫૯૧.૩૯ કરોડ હતી જે વધારીને ૨૦૧૮-૧૯માં રૂા.૨૭૨૩ કરોડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોને પ્રોત્સાહક નીતિને કારણે વાવેતર વિસ્તાર પણ વધ્યો છે અને ઉત્પાદન પણ વધ્યું છે. ૧૯૯૫-૯૬માં ખાધ પાકોનો વાવેતર વિસ્તાર ૩૭.૪૮ લાખ હેક્ટર અને ઉત્પાદન ૪૧ લાખ મે.ટન હતું જે ૨૦૧૬-૧૭માં વાવેતર વિસ્તાર ૩૮ લાખ હેક્ટર અને ઉત્પાદન ૭૪.૧૮ લાખ મે.ટન થયું છે. એ જ રીતે તેલીબીયાના પાકોમાં ૨૪.૧૨ લાખ મે.ટન, કપાસના પાકોમાં ૨૮.૪૧ લાખ ગાંસડીનો વધારો થયો છે.

રાજ્યમાં ખેડૂતોની આવક વધે અને કૃષિપાકોની ઘરઆંગણે માહિતી મળે તે માટે શરૂ કરાયેલ કૃષિ મહોત્સવથી અનેકગણો ફાયદો થયો છે. ૨૦૧૭માં થયેલ કૃષિ મહોત્સવમાં ૩.૮૨ લાખ ખેડૂતોએ લાભ લીધો હતો. ૧.૫૬ લાખ સોઇલ હેલ્થ કાર્ડ તેમજ ૩૨૮૩.૫૭ લાખના વિવિધ સહાયોના ચેક અને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૃષિ માટે ઉપયોગી એવા જળસંગ્રહ સાધનો જેવા કે, સિંચાઇ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવામાં આવી છે. ૨૦૧૮-૧૯માં જળસંરક્ષણના કામો માટે રૂા.૩૪૭.૯૧ કરોડની જોગવાઇ કરી છે, તે દ્વારા ખેત તલાવડી, તળાવો ઉંડા કરવા તથા સંગ્રહના સ્ટ્રક્ચર બનાવવા જેવા કામો હાથ ધરવામાં આવશે.

  • છેલ્લા પાંચ વર્ષમાં વર્ષે સરેરાશ એક લાખ નવા કૃષિ વીજ જોડાણો અપાયા
  • બે તબક્કામાં ૮૯ લાખ ખેડૂત ખાતેદારોને સોઇલ હેલ્થ કાર્ડ
  • ખાતર માટે ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાનું ભૂતકાળ બન્યું
  • ૧૩૬૫૬૬.૧૫ ટન ખાતરના જથ્થાનો સંગ્રહ
  • બાગાયતી પાકોના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર
  • બાગાયતી પાકોના વાવેતરમાં ૧૫ વર્ષમાં ૮.૫૧ લાખ હેક્ટર અને ઉત્પાદનમાં ૧૬૪.૨૧ લાખ મે.ટન વધારો
  • રૂ.૩૬૪૯.૪૦ કરોડના ખર્ચે ૮૧૦૯૭૮.૭૦ મે.ટન મગફળીની ખરીદી
  • પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં ખરીફ અને ઉનાળાની ઋતુ માટે રૂા.૧૦૦૦ કરોડના દાવાની ચુકવણી
  • ભૂમિ જળ સંરક્ષણ માટે ૫૪૭.૯૧ કરોડની જોગવાઇ

કૃષિપ્રધાને જણાવ્યું કે, પાણીની સાથે જરૂરી નવા કૃષિ વીજ જોડાણો, વીજ બીલમાં રાહત, સોલાર પંપ જેવી અનેક બાબતોમાં વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કૃષિક્ષેત્રે વપરાતી વીજળી માટે ૨૦૧૮-૧૯માં ૪૫૦૦ કરોડ, ગરીબ પરિવારોને વીના મૂલ્યે વીજ જોડાણ માટે ૨૭.૯૫ કરોડ, નવા કૃષિ વીજ જોડાણ માટે ૧૯૨૧ કરોડ, સોલાર પંપથી સિંચાઇ માટે ૧૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કૃષિ વિષયક વીજ જોડાણોના વિપક્ષના પ્રશ્નોનો ઉત્તર આપતા આર.સી. ફળદુએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં વર્ષે સરેરાશ એક લાખ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ૨૦૧૮-૧૯માં ૧,૨૨,૦૦૦ નવા કૃષિ વીજ જોડાણો આપવા રૂા.૧૯૨૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યના કૃષિ ઉત્પાદનમાં બાગાયતી પાકોનો અહમ ફાળો છે તેમ જણાવતા ફળદુએ જણાવ્યું કે, રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર ૧૬.૪૧ લાખ હેક્ટરમાં થાય છે. તે રાજ્યના કુલ વાવેતર વિસ્તારના ૧૩ ટકા જેટલું છે અને દેશમાં ચોથું સ્થાન ધરાવે છે. બાગાયત ક્ષેત્રે ગુજરાત જીરૂ વરિયાળીમાં પ્રથમ સ્થાને, પપૈયામાં બીજા સ્થાને, કેળામાં પ્રથમ, ચીકુમાં બીજા, દાડમમાં ત્રીજા, શાકભાજીમાં ત્રીજા ક્રમે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે,  છેલ્લા પંદર વર્ષમાં બાગાયતી પાકોનો ૮.૫૭ લાખ હેક્ટર વિસ્તાર અને ઉત્પાદનમાં ૧૬૪.૨૧ લાખ મે.ટન વધારો થયેલ છે.

કૃષિ ઉત્પાદન અને સહાય સાથે ભૂમિ અને જળસંરક્ષણ માટે રૂ.૫૪૭.૯૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે અંતર્ગત ૨૮૮ ગામ તળાવ ઉંડા કરવા, ૨૮૯૬ ખેત તલાવડી, ૮૬૦ સીમતલાવડી, ૧૯૧૬ જળસંગ્રાહક સ્ટ્રક્ચર, સહિત ૩૨૮૬૨ હેક્ટર વિસ્તારમાં જમીન અને જળ સંરક્ષણની કામગીરી કરવામાં આવનાર છે.

ભૂંડ અને રોઝડા જેવા પ્રાણીઓથી ખેત પાકોને નુકશાન સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરની ફરતે તારની વાડ બનાવવાની યોજના અમલી બનાવાઇ છે. આ માટે રૂા.૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે અને આ દ્વારા ૯૭.૫૦ લાખ રનીંગ મીટર તારની વાડની કામગીરી હાથ ધરાશે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, અમરેલી, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, જામનગર, અરવલ્લી, ભાવનગર, મહેસાણા અને ગાંધીનગર એમ કુલ ૧૫ જિલ્લાઓના કુલ ૪૩૩૩ ગામોના કુષિ બાગાયત પાકોમાં અંદાજીત કુલ ૬,૫૧,૪૧૭ હેક્ટર જમીનને નુકશાન થયું છે. જ્યાં સર્વે હાથ ધરીને કુલ ૪,૭૩,૬૧૮ અસરગ્રસ્ત ખેડૂતોને કુષિ-બાગાયત પાકોમાં ઇનપુટ સહાય પેટે કુલ રૂા. ૮૦૫.૨૮ કરોડની માત્ર અઢી માસમાં ચૂકવણી કરી આ સરકારે ખરા અર્થમાં ખેડૂતની ચિંતા કરી છે.

વિધાનસભા ગૃહમાં કૃષિ અને ખેડૂત કલ્યાણની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]