કોંગ્રેસના બે ચૂંટાયેલા પદાધિકારીઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયાં

અમદાવાદ- કોંગ્રેસના મોવડીઓ માટે પક્ષની આંતરિક ખેંચતાણને લઇને માઠી બેઠી છે ત્યાં વધુ એક લાંછનરુપ ઘટના બહાર આવી છે. કોંગ્રેસ શાસિત બોટાદ જિલ્લા પંચાયતના બે ચૂંટાયેલા પદાધિકારીઓ 80,000 રુપિયાની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના અધિકારીઓએ રંગે હાથ ઝડપી લીધાં હતાં.બોટાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ ચેરમેન ચીમન બાબુભાઇ ખંભાળિયા ઉર્ફે સી.બી અને કારોબારી સમિતિના સભ્ય ઇશ્વર ભરાડીયાએ ખેતીની જમીન બિન ખેતી કરી આપવા માટે એડવોકેટ હરેશ ડોડિયા પાસે રુપિયા 80,000ની લાંચ માગી હતી. જેની ફરિયાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોમાં કરવામાં આવી હતી. જેમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. તેમાં ચેરમેન ચમન ખંભાળિયા 80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયાં હતાં.

મળતી માહિતી પ્રમાણે આ બંને અગાઉ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતાં પરંતુ પાટીદાર અનામત આંદોલન પછી કોંગ્રેસમાં જોડાયા હતાં અને કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટાઇ આવ્યાં હતાં.

આ બને રાજકારણીઓ લાંચના છટકામાં પકડાઇ જતાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સોશિઅલલ મીડિયામાં મેસેજ મોકલ્યાં હતાં આ લોકો અમારા પક્ષ સાથે જોડાયેલાં નથી.