અંધજનમંડળના પ્રાંગણમાં પ્રથમવાર યોજાઇ પ્રજ્ઞાચક્ષુઓની ફૂટબોલ મેચ..

અમદાવાદ: વિશ્વ આખાયમાં દિવ્યાંગ જનો રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાય, મુખ્યધારા સાથે ભળે એવા સતત પ્રયાસો થતા રહે છે. દ્રષ્ટિથી કે શરીરથી દિવ્યાંગજન માટે જુદી જુદી રમત ગમતનું આયોજન કરાય છે. ક્રિકેટની સાથે અનેક રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓએ નામના મેળવી છે.

પણ, 4 ઓકટોબર, શુક્રવારની સાંજે અમદાવાદના અંધજન મંડળ વસ્ત્રાપુર ખાતે એક અનોખો નજારો જોવા મળ્યો. અમદાવાદ નહીં પણ ગુજરાતમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ફૂટબોલની રમત રમ્યા. ફૂટબોલની રમત સાથે જોડાયેલા શહેરના પ્રજ્ઞાચક્ષુ વિષ્ણુ વાઘેલા નેશનલ લેવલે પોતાનું પરફોર્મન્સ બતાવી આવ્યા છે.

વિષ્ણુ વાઘેલા ચિત્રલેખા.કોમને કહે છે…અમદાવાદ ખાતે અંધજન મંડળમાં પ્રથમ વખત રમાઇ રહેલી ફૂટબોલની આ પ્રથમ મેચ છે. ફૂટબોલ સ્ટાર્સ અને ફૂટબોલ કિંગ્સ નામની ટીમ બનાવવામાં આવી છે. ગોલકિપર જે રાખવામાં આવ્યા છે એમને પૂર્ણ દ્રષ્ટિ છે. જ્યારે પ્રજ્ઞાચક્ષુને ગોલ સુધી પહોંચાડવા ગાઇડ પણ રખાયા છે.

ચોક્કસ પ્રકારનો અવાજ કરતો બોલ પ્રજ્ઞાચક્ષુઓ માટે તૈયાર કરાયો છે. આ રમત પૂર્વે તમામ ખેલાડીઓને પોતાનો રુટ બતાવી દેવામાં આવે છે. ત્યારબાદ ફૂટબોલની રમતની શરુઆત થાય છે.

બ્લાઇન્ડ મેન્સ એસોસિયેશનના પ્રાંગણમાં રમાયેલી આ વિશિષ્ટ ફૂટબોલ મેચને નિહાળવા અંધજન મંડળ સાથે જોડાયેલા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)