લ્યો, હવે નરેન્દ્ર મોદી-અમિત શાહના કટઆઉટનું આશ્ચર્ય !

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી લડી રહ્યા છે, પણ રાષ્ટ્રીય પ્રમુખ હોવાથી અમિતભાઈ દેશભરમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગાંધીનગરમાં તે પોતે સમય આપી શકે તેમ નથી.

પણ આમ છતાંય, ઉમેદવાર અમિતભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મતદારોના ઘરે ઘરે જઈને પ્રચાર કરે તો?

આમતો આવું શક્ય નથી, પણ ગુજરાત ભાજપના કેટલાક ઉત્સાહી કાર્યકર્તાઓ અને નેતાઓએ તેનો પણ ઉપાય શોધી કાઢ્યો છે.

આજકાલ ભાજપના આ કાર્યકર્તાઓ નવતર પ્રયોગો કરીને અધ્યક્ષ અમિત શાહને જીતાડવા કમર કસી રહ્યા છે. આ માટે ભાજપ અને અમિત શાહના ગઢ એવા ઘાટલોડિયા વિસ્તારમાં 11 એપ્રિલે સવારે આશ્ચર્ય જનક કાર્યક્રમ અપાશે એવી જાહેરાતો કરવામાં આવી હતી. આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કટઆઉટ સ્વરુપે પ્રચાર કરતા જોવા મળ્યા.

ભાજપાના કાર્યકર્તાઓ અને નાગરીકો ભેગા થયા. નેતાઓના કટ આઉટ, પક્ષના નિશાન, ખેસ અને ઢોલ નગારા સાથે પ્રચાર શરુ થયો. સૌ રેલી સ્વરુપે સોસાયટીઓમાં ફરવા માંડ્યા.

જો કે કાર્યકર્તાઓ અને કુતુહલવશ એકઠા થયેલા લોકોમાં એક ગણગણાટ પણ શરુ થયો હતો કે આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં આશ્ચર્ય પમાડે એવું શું…?

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]