BJP આજથી કરશે મજબૂત પ્રચાર, 10 કેન્દ્રીયપ્રધાન સંભાળશે કમાન

અમદાવાદઃ હિમાચલ પ્રદેશમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીની નજર ગુજરાત ઈલેક્શન પર છે. આજથી ભાજપ ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી અભિયાન શરૂ કરશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત 10થી વધારે કેન્દ્રીય મંત્રી સહિત રાજ્યના કેટલાય નેતાઓ વોટરોને રીઝવતાં નજરે પડશે.

ભારતીય જનતા પાર્ટી આજથી ગુજરાત મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાન 12 નવેમ્બર સુધી ચાલશે. આ અભિયાનની શરૂઆત બીજેપીના અધ્યક્ષ અમિત શાહ કરશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન, સ્મૃતિ ઈરાની, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન સહિત કુલ 10 કેન્દ્રીય મંત્રી પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરશે. આ તમામ લોકોનું લક્ષ્ય વોટરો સાથે સીધો સંપર્ક સાધવાનું છે. .

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અત્યાર સુધી ગુજરાતમાં ખૂબ આક્રમકતાથી પ્રચાર કર્યો છે. રાહુલ ગાંધીએ અત્યાર સુધી પોતાની નવસર્જન યાત્રાના કુલ ત્રણ ચરણ પૂર્ણ કર્યા છે. રાહુલે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન સતત વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે તો ત્યાં સુધી કહ્યું કે ગુજરાતમાં ગમે તે થાય પણ જીત તો કોંગ્રેસ પક્ષની જ થશે.