ગુજરાતઃ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની 9થી 11 નવેમ્બરે બેઠક

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીના જંગમાં બાજી મારવા માટે પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આગામી 9, 10, 11 નવેમ્બરના રોજ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. 3 દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં જે વિધાનસભ્યોને ટીકીટ આપવાની છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેવાના છે. પાર્લામેન્ટ્રી બોર્ડની આ બેઠકમાં કુલ 3-3 નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. તો આવનારી 14-15 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય બોર્ડની એક બેઠક મળશે જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની યાદી જાહેર થશે.

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે અને એટલા માટે જ ભાજપ આ વખતે ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ઉણપ રાખવા માંગતુ નથી. ત્યારે ઉમેદવારોના નામને લઈને ખૂબ જ ઉંડાણપૂર્વકનુ મંથન કરીને ઉમેદવારોના નામની પસંદગી કરવામાં આવશે. ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150+ના ટાર્ગેટ સાથે મેદાને ઉતરશે. ત્યારે આ ચૂંટણી જંગ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યા બાદ ભાજપને ચૂંટણી જંગમાં કોઈ મોટી મુશ્કેલીઓ આવી નથી. પરંતુ આ વખતે પરિસ્થિતી તદ્દન અલગ છે. ગુજરાતમાં ચાલી રહેલા સામાજિક આંદોલનો, જીએસટી, નોટબંધી આ તમામ એવા ફેક્ટર છે, જેના કારણે ભાજપને ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ફટકો પડી શકે છે. ત્યારે ભાજપના ટોપના માસ્ટરમાઈન્ડ નેતાઓ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારથી લઈને ઉમેદવારોની પસંદગી સુધીની તમામ પ્રક્રિયામાં કોઈપણ કચાશ રાખવાના મુડમાં નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]