ભાજપના સંસદસભ્ય મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું

ભરૂચઃ ભાજપના ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. તેમણે પાર્ટીમાંથી રાજીનામું તો આપ્યું છે, પણ તેઓ સંસદસભ્ય તરીકે પણ રાજીનામું આપશે. જોકે તેમણે નાદુરસ્ત તબિયતને લઈને રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી. ભાજપના પક્ષપ્રમુખ સી. આર. પાટીલ દ્વારા તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

વસાવાએ કહ્યું હતું કે તેઓ રાજીનામા પર અડગ છે અને તેઓ હવે નિવૃત્ત થવા ઇચ્છે છે. જોકે તેઓ હવે રાજકીય સંગઠનની કામગીરી કરશે.

ભાજપના સંસદસભ્ય મનસુખ વસાવાએ ત્રીજી ડિસેમ્બર, 2020એ  ઉત્તર પ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ લવ જેહાદ વિશે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓનાં વેચાણને અટકાવવા માટે પણ રાજ્યના મુખ્ય પ્રધાને પત્ર લખ્યો હતો. તેમણે લવ જેહાદ મુદ્દે પણ ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા.

તેમણે એ પછી 20 ડિસેમ્બર, 2020એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં લખ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘોર ઉપેક્ષા થવાના કારણે આદિવાસી સમાજના લોકો દેશના મુખ્ય ધારાથી વિખૂટા પડી ગયા છે. મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP, કોંગ્રેસ વિકાસનાં કામોમાં ભ્રષ્ટાચાર કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. વનબંધુ કલ્યાણ યોજનામાં કૌભાંડની શક્યતાને લઈને પણ તેમણે મુખ્ય પ્રધાનને પત્ર લખીને તપાસ કરવાની માગ કરી હતી.

તેમણે 7 ઓક્ટોબરે કેન્દ્ર સરકારને પત્ર લખીને ઓપેલ સહિતના મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની માગ કરી હતી. એ પહેલાં તેમણે 23 મેએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને નર્મદા નદીમાં થતાં રેતી ખનનને અટકાવવા અને તપાસ કરાવવાની માગ કરી હતી. વડોદરાના કરજણ તાલુકામાં નર્મદા નદીના તટમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસની મિલીભગતથી ગેરકાયદે રીતે રેતી ખનન ચાલી રહ્યું છે અને એને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]