લોકસભાની ચૂંટણીની તૈયારીઓઃ ભાજપની 24-25 જૂને ચિંતન બેઠક અમદાવાદમા યોજાશે

ગાંધીનગર– લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદમાં 24-25 જૂન એમ બે દિવસ ભાજપની પ્રદેશ ચિંતન બેઠક યોજાશે, જેમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. ૧૭ અને ૧૮ જૂન એમ બે દિવસ ચાલનારી આ બેઠકમાં તા. ૧૭મીને રવિવારના રોજ ૩૭ તાલુકા પંચાયતના પદાધિકારીઓની નિયુક્તિ માટેના નામની ચર્ચા થઈ હતી અને તા. ૧૮ના રોજ ૪૮ તાલુકા પંચાયત માટેના પદાધિકારીઓની નિયુક્તિ માટેના નામોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તેમજ તા.૧૮ના રોજ સાંજે ૪.૩૦ કલાકે પ્રદેશ કોર ગ્રુપ, લોકસભા ચૂંટણી સમિતિ અને પ્રદેશ મહામંત્રીશ્રીઓની એક સંયુક્ત બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા, પ્રદેશ મહામંત્રી સહિત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે.

20 જૂને પીએમ મોદી ખેડૂતો સાથે ‘નમો એપ’થી સીધી વાત કરશે

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ્‌માં મીડિયા સાથે વાત કરી હતી અને ભાજપના આગામી કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી તા. ૨૦ જૂન સવારે ૯ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરના ખેડૂતો સાથે ‘નમો એપ’ તેમજ અન્ય માધ્યમો દ્વારા સીધી વાત કરવાના છે. ભાજપ કિસાન મોરચા દ્વારા ગુજરાતભરમાં શક્તિકેન્દ્રો પર ખેડૂતો સાથે સામુહિકતામાં સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આગામી ૨૧ જૂનના રોજ ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસ માટેની દરખાસ્ત મૂકી હતી. જેને ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ મંજુરી આપવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ૨૧ જૂનના રોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાતભરમાં ભાજપાના કાર્યકર્તાઓ/ આગેવાનો જિલ્લા અને મંડલ સ્તર સુધીના કાર્યક્રમોમાં ભાગ લેશે.આગામી ૨૩ જૂનના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિને ભાજપ દ્વારા બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ગુજરાતભરમાં ભાજપ કાર્યકરો દ્વારા દેશની રક્ષા કાજે શહિદ થયેલા શહિદવીરોને શ્રદ્ધાંજલી તેમજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનકથન અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાન 24 જૂને ‘મનકી બાત’ કરશે

વડાપ્રધાન ૨૪ જૂનના રોજ ‘મનકી બાત’ કાર્યક્રમ દ્વારા દેશની જનતા સાથે સંવાદ કરશે. ભાજપના કાર્યકરો દ્વારા સમગ્ર ગુજરાતના શક્તિકેન્દ્રો પર સામુહિક રીતે સાંભળવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

અમિત શાહની ઉપસ્થિતીમાં 24-25 જૂને ચિંતન શિબિર

૨૪-૨૫ જૂનના રોજ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં એસજીવીપી, અમદાવાદ ખાતે ચિંતન બેઠક યોજાશે, જેમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રઘાન નીતિન પટેલ અને પ્રદેશ અગ્રણીનેતાઓ ઉપસ્થિત રહેશે.

અમદાવાદમાં 26 જૂને મીસાવાસીઓના સન્માનનો કાર્યક્રમ

રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં તા.૨૬ જૂનના રોજ અમદાવાદ ખાતે મીસાવાસીઓના સન્માનનો કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો છે. ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ ઈન્દીરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે દેશભરમાં ગેરબંધારણીય રીતે કટોકટી લગાવી દેશને બાનમાં લીધેલ હતો અને હજારો નિર્દોષ નાગરિકોને મીસાના કાયદા હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ૨૫ જૂનના દિવસને લોકશાહીના કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે.વિજય રૂપાણીના રાજીનામાનો અપ્રચાર કોંગ્રેસનું કારસ્તાનઃ ભાજપ

ભરત પંડયાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના રાજીનામાં અંગે અફવા/અપપ્રચાર એ કોંગ્રેસનું સંયુક્ત કારસ્તાન છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને બદલવાની કોઈપણ પ્રકારની સંભાવના, શક્યતા નથી. ભાઈ હાર્દિક બહુ થયુ. વાસ્તવમાં તેણે જુઠ્ઠાણાં-વેર-ઝેર ફેલાવવાનો પોતાનો સ્વભાવ બદલવાની જરૂર છે. કોંગ્રેસ અને કોંગ્રેસની બી ટીમની ભાષા અરાજકતા,  હિંસા અને વેર-ઝેર ફેલાવવાની છે. હમણાં જ કોંગ્રેસના એક ધારાસભ્ય દ્વારા જે હિંસાત્મક અને વેર-ઝેરની ભાષા બોલવામાં આવી છે, તેનાથી જ કોંગ્રેસનું ચાલ-ચરિત્ર ગુજરાતની જનતા ઓળખી ચૂકી છે. કોંગ્રેસને સત્તાનો વિયોગ અને વિરહ છે, તેથી જ તે વિષાદમાં વાદ-વિવાદ-વેર-ઝેર ફેલાવે છે. કોંગ્રેસમાં તીવ્ર આંતરીક જુથબંધી અને નારાજગી છે. અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસ સત્તામાંથી દૂર થઈ છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસે ૩ નગરપાલિકા ગુમાવી છે, આ બધા વિષય પરથી લોકોનું ધ્યાન હટાવવા આ પ્રકારના ગતકડાં કોંગ્રેસ ચલાવી રહી છે.

રૂપાણી સરકાર પ્રજાહિતમાં નિર્ણયો લઈ રહી છે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યા છે. ખેડૂતો અને ગુજરાતની જનતા માટે દેશનું સૌથી મોટું અને લાંબુ સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય તો તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલનો રૂ.૫૦ હજાર સુધીનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે. આવા અનેક સંવેદનશીલ નિર્ણયો પ્રજાહિતમાં લઈ રહ્યા છે. ગુડ ગવર્નન્સ માટે કુલ ૨૬ વિભાગો અને ૧૭૦૦ પેરામીટર્સ સાથેના મોનિટરીંગ માટે “સીએમ ડેસ્કબોર્ડ” વ્યવસ્થાનો શુભારંભ કર્યો છે. તાજેતરમાં જ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામડામાં જઈને બાળકો અને વાલીઓને શિક્ષણ અંગે પ્રોત્સાહન આપવા ઝુંબેશ ચલાવી છે, ત્યારે કોંગ્રેસ અને તેની બી ટીમ જુંઠ્ઠાણાં અને વેર-ઝેર ફેલાવવાના કાર્યક્રમો બંધ કરે તેમ પંડયાએ જણાવ્યું હતું.

તાજેતરમાં જ સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રમાં મોગલ વિશે કરવામાં આવેલ અભદ્ર ટીપ્પણીને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. તેમજ વિઠ્ઠલાપુર ખાતે એક યુવાનને માર મારવાની ઘટનાને વખોડી કાઢીએ છીએ. આ બાબતે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની સૂચનાથી પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને સોશીયલ મીડિયા એ એન્ટી સોશીયલ મીડિયા કે વેર-ઝેર ફેલાવવાનું માધ્યમ ન બને તે માટે ભાજપની અપીલ છે.