અલ્પેશ ઠાકોરના નવા ઘરમાં પૂજાપ્રસંગે વાઘાણી-જાડેજાની હાજરીથી ચર્ચા ચારેકોર

અમદાવાદઃ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે જ્યારથી તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે. બીજીબાજુ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની રજૂઆત કરી દીધી છે.

ત્યારે અલ્પેશ ઠાકોરે પોતાના ઘરે રાખવામાં આવેલી એક પૂજામાં પ્રદીપસિંહ જાડેજા અને જીતુ વાઘાણીને બોલાવ્યાં હતા. ત્યારે આ મામલે પણ ચર્ચાઓ થઈ હતી. જો કે આ મામલે મીડિયા સાથે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે  અલ્પેશે જણાવ્યું કે, “સીએમ વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા અને જીતુભાઈ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી મેં પ્રદીપસિંહ અને જીતુભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યાં હોવા અંગે મીડિયા જે અર્થઘટન કાઢવું હોય એ કાઢી શકે છે. કોને આમંત્રણ આપવું અને કોને ન આપવું એ મારે નક્કી કરવાનું હોય છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે પણ મારે સાારા સંબંધો છે. બીજેપીના બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યાં હોવાથી બંનેનો આભાર માનું છું.”

મીડિયાએ જ્યારે સવાલ પૂછ્યો કે દારૂબંધીના આંદોલન વખતે તમે ગૃહમંત્રી પ્રદીપસિંહને ગાળો આપતાં હતાં અને હવે તેમને જ ઘરે બોલાવો છો ત્યારે અલ્પેશે જણાવ્યું કે, “મને કોઈ વ્યક્તિનો વિરોધ નથી પરંતુ નીતિઓનો વિરોધ હોય છે. હું ત્યારે પણ વિરોધ કરતો હતો અને ભવિષ્યમાં પણ વિરોધ કરીશ.”

રુક્મિણી- અલ્પેશ ઠાકોરનું નવું ઘર

કોંગ્રેસે ધારાસભ્ય પદ રદ કરવા માટે અધ્યક્ષને અરજી કરી હોવા અંગે અલ્પેશે જણાવ્યું કે, “ચૂંટણી વખતે કોંગ્રેસને મારા સમાજના મત જોઇતાં હતાં, એટલે ત્યારે મારી સામે કોઈ કાર્યવાહી ન કરી. કોંગ્રેસ રાજકીય નફાનુકસાનની ગણતરી કરી રહી છે. મેં વ્હિપનો અનાદર નથી કર્યો. મારું ધારાસભ્ય પદ લેવા માટે કોંગ્રેસ હવાતિયાં મારે છે. મજબૂત માણસને હેરાન કરીને કોંગ્રેસમાંથી કાઢવામાં આવી રહ્યાં છે. નબળા લોકો મજબૂત અને પ્રજાના પ્રતિનિધિઓને સહન નથી શકતાં. આવા નબળા લોકો બંધબારણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે અને મારા જેવા લોકોને ષડયંત્ર કરીને પક્ષ છોડવા મજબૂર કરે છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]