અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જયંતી પર્વની ઉજવણીના અવસરે બ્રિટન અને ભારતના સમાજસેવી સંગઠન ગોધાર્મિક ફાઉન્ડેશન તરફથી પર્યાવરણના જતન માટે જનજાગૃતિ લાવવા અમદાવાદ-દાંડી વચ્ચે 17મી ડિસેમ્બરે સાઇકલ કૂચ યોજાશે. આ કાર્યક્રમમાં ઇગ્લેન્ડ સહિતના વિવિધ દેશોના પ્રતિનિધિઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓના અગ્રણીઓ પણ ભાગ લેશે.
ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન હેમલ રાન્દેરવાલાએ જણાવ્યું હતું કે અમારા સંગઠન દ્વારા છેલ્લા સાત વર્ષથી સમાજસેવાની પ્રવૃત્તિઓ ભારત સહિતના અનેક દેશોમાં કોર્પોરેટ તથા અન્ય દાતાઓના સહયોગથી હાથ ધરવામાં આવી રહી છે. હવે અમે ગાંધીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા તેમણે વર્ષ 1930મા સત્યાગ્રહ કર્યો હતો તે 380 કિલોમીટરના રૂટ પર સાયકલયાત્રા યોજવાનું નક્કી કર્યું છે. આ અંતર છ દિવસમાં પૂર્ણ કરવાનો અમારો અંદાજ છે. સ્વચ્છ અને હરિયાળા વાતાવરણને પ્રોત્સાહન આપવા તથા દસ લાખ વૃક્ષ રોપવાના મિશન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
ફાઉન્ડેશન તરફથી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગોધાર્મિક ફાઉન્ડેશનની 50મી લાયબ્રેરીનું ઉદ્દઘાટન થશે. ફાઉન્ડેશન ગરીબ પરિવારને ભોજન અને વિવિધ પ્રકારની તબીબી સહાય સહિતની પ્રવૃત્તિઓ ભારત સહિતના 40 દેશોમાં કરે છે. થોડા મહિનાઓ અગાઉ મુંબઈમાં ગોધાર્મિક ફાઉન્ડેશન તરફથી ફાયનાન્શિયલ સંસ્થાઓ અને કંપનીઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સંગઠનને દાનની માતબર રકમ પ્રાપ્ત થઈ હતી.