ગાંધીનગર- ગુજરાત સરકાર દ્વારા મોટેઉપાડે શિક્ષણક્ષેત્રમાં મસમોટી ફીનું દૂષણ ડામવા પગલાં રુપે ફી નિયમન કાયદો પસાર કરવામાં આવ્યો તો છે પરંતુ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સંચાલકો દબાણના પગલે નાકલીટી તાણી લીધી હોય તેવું સાબિત કરતાં નિવેદનો આપવામાં આવી રહ્યાં છે.વાલીઓએ સંચાલકો માગે તે ફી તો ભરવી પડશે જ કહ્યાં પછી હવે વધુ એક વિવાદી નિવેદન બહાર આવી રહ્યું છે, જેમાં તેમણે કહી દીધું છે કે વાલીઓએ સરકાર સમક્ષ નહીં પણ ફી સમિતિ સમક્ષ રજૂઆતો કરવાની રહેશે.
શિક્ષણપ્રધાનના આવા નિવેદનના પગલે વાલીઓ ફરી વાર ફી મુદ્દે સરકારે છેતર્યાં હોવાની નિરાશા અને રોષ અનુભવી રહ્યાં છે. તો શિક્ષણપ્રધાનના આવા બેજવાબદાર કામના કારણે તેમના સહયોગીઓમાં પણ લોકોના અસંતોષને ચૂડાસમા નજરઅંદાજ કરી રહ્યાં હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકારે રચેલી ફી નિર્ધારણ સમિતિએ પણ કસર પૂરી કરતી હોય તેમ વાલીઓના બદલે શાળા સંચાલકો સાથે બંધબારણે બેસીને ઊંચી ફી નક્કી કરી છે. તેમાં ફી નક્કી થયા બાદ યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી નથી. ફી સમિતિ બે દિવસ અગાઉ અમદાવાદની 200થી વધુ શાળાઓની ફી નક્કી કરી દીધી હોવાનું ખુદ શિક્ષણપ્રધાને નિવેદન કર્યું હતું. પરંતુ બેમાંથી એકપણ તરફથી ફી નિર્ધારીત થયેલી શાળાઓની યાદી જાહેર કરવામાં આવી નથી.