33 વર્ષ પછી 15 ગામના લોકોએ સ્વયંભૂ ઉપાડી લીધું છે આ કામ…

ભાવનગર- લોકશક્તિનો સંપ કેવાં કેવાં કાર્યો કરી શકે છે તેનું સમસ્ત ઉદાહરણ સ્વતંત્રતા સંગ્રામ છે. એવી સંપશક્તિનું સુંદર ઉદાહરણ ભાવનગર તળાજાના લોકો દ્વારા સામે આવ્યું છે. જ્યાં વર્ષોથી લટકી પડેલા એક જરુરી કાર્યને જનતાએ પૂર્ણ કર્યું છે.વાત એમ છે કે તળાજાના સમુદ્ર તટની ખારાશ જમીનમાં ફેલાતી અટકાવવા 1985માં 81 કરોડના ખર્ચની મેથળા બંધારા યોજના બની હતી જે વરસોના વહાણાં વીત્યે ઠેરની ઠેર હતી. જેમાં આપ મૂએ વિના સ્વર્ગે ન જવાયની સમજણ કેળવી 15 ગામના લોકોએ સ્વયં પાળો બાંધવાનું કામ પૂરઝડપે શરુ કરી દીધું છે. લોકો સાથી હાથ બઢાના સૂત્રને અપનાવી પાવડાતગારાં, ટ્રેક્ટર સહિતના જરુરી સામાન સાથે બંધારો બાંધી રહ્યાં છે.

આ સાચકલાં જનભાગીદારીના કામમાં એક સપ્તાહથી મેથળા સહિતના  મધુવન, પ્રતાપપરા, ઝાંઝમેર, કેરા, રાજપરા, વાટલીયા, મંગેવા, વેજાદરી, કોટડા, દયાળ, વાલર, રોજિયા, તલ્લી, બાંભોર, જાદપર ગામનાં લોકો શ્રમદાન કરી રહ્યાં છે અને સૂરતના દાતાઓનું દાન છે. હંમેશાની જેમ રાજકારણીઓ લોકોના કામમાં ડોકાયાં નથી પણ વિસ્તારના જનપ્રતિનિધિ કનુ કળસરીયાને વાતની જાણ થતાં સ્થળ પર જઇને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

વિલંબના મૂળરુપે મેથળા બંધારા પ્રોજેક્ટ શરુ થયો ત્યારે કોટડા સાંગાણીના લોકોએ વિરોધ કર્યો હતો એટલે મામલો લંબાયો, સમાધાનરુપે પ્રોજેક્ટને નાનો કરી દેવાયો તો મેથળાથી વિરોધનો સૂર ઉઠ્યો. બગડ નદીની જમીન ડૂબમાં ન જાય તે રીતે સમાંતર પાળો બાંધવાના આયોજન સામે લોકવિરોધ થયો હતો જેને લઇને વરસો સુધી યોજના આગળ વધી ન હતી. છેવટે હવે ગામજનોએ જાતો જ કામ શરુ કરી દીધું છે.