લોકમિલાપનો ધ એન્ડઃ વાચકો અને પુસ્તકોના વિલાપનો આરંભ?

ભાવનગર: ગુજરાતી સાહિત્યપ્રેમીઓને ભાવનગર આવવાનું થાય તો તેમને પોતીકું લાગે તેવું ઠેકાણું લોકમિલાપ છે.પરંતુ 70 વર્ષની લાંબી યાત્રા બાદ તેના ઉપર પડદો પડવા જઈ રહ્યો છે. 26મી જાન્યુઆરી, 2020થી લોકમિલાપને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાચકોમાં આદરનું સ્થાન ધરાવતા આ પુસ્તકભંડારને બંધ કરવાના સમાચાર વહેતા થતાં સાહિત્યજગતમાં ભારે આંચકો અનુભવાયો છે. લોકમિલાપના સંચાલક ગોપાલભાઈ મેઘાણીએ જણાવ્યું કે, દર ત્રણેક મહિને એકાદ પુસ્તકમેળો યોજવો એવા સૂચનો મળ્યા છે. જે અંગે અમે વિચારી રહ્યા છીએ. હાલ 26મી જાન્યુઆરીથી લોકમિલાપ બંધ થશે. ત્યાં સુધી અમે વાચકોમાં યાદગીરી જળવાઈ રહે તે માટે 20 ટકા વળતર સાથે પુસ્તકો આપવાનું પણ નક્કી કર્યું છે.
કોણે, ક્યારે અને કેવા સંજોગોમાં શરૂઆત કરેલી? 
ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીએ 1950ના આ દિવસથી લોકમિલાપની શરૂઆત કરી હતી. મુંબઇ ખાતે સૌપ્રથમ પ્રારંભ કર્યો હતો અને ત્યારબાદ 1954થી તેનું કાર્યાલય ભાવનગર ખસેડી લેવામાં આવ્યું હતું. વાચકોની સંખ્યા સમાજમાં વધે, સાહિત્યરસિકોને શ્રેષ્ઠ પુસ્તકો સાંપડે અને તંદુરસ્ત સમાજની રચના થાય તેવા હેતુથી શરૂઆત કરવામાં આવી હતી.તે લોંગ ડ્રાઈવ બાદ વિરામ ગતિ પામશે.
અત્યાર સુધીના યાદગાર પ્રકાશનો
ઉમાશંકર જોશી, મૂળશંકર મો. ભટ્ટ, યશવંત શુક્લ, તામિલનાડુના ગવર્નર પ્રભુદાસ પટવારી જેવા ટ્રસ્ટીઓ લોકમિલાપ સાથે જોડાયેલા રહ્યા છે. અરધી સદીની વાચનયાત્રા, ગાંધીગંગા, ખીસાપોથીના 30 ભાગ, લેખકો સાથેની વાચનયાત્રા, તિબેટના ભીતરમાં જેવા અનુવાદો સહિતના પ્રકાશનો અત્યંત જાણીતા થયેલા છે. વાચકોએ તેના માધ્યમથી સસ્તુ અને શ્રેષ્ઠ સાહિત્ય વાંચ્યું છે. બજાર કરતા સસ્તા ભાવે પુસ્તકો લોકમિલાપ જ આપી શકે તેવી છબિ ઉપસાવવામાં સફળતા મળેલી છે.
અરધી સદીની વાચનયાત્રાના 4 ભાગની એક લાખ નકલો
અરધી સદીની વાચનયાત્રામાં ગુજરાતના મોટાભાગના લેખકોની તમામ કૃતિઓના અંશો લેવામાં આવેલા છે. તેના 4 ભાગ પૈકી દરેકની કિંમત રૂપિયા 50માં વેચીને ગુજરાતી સાહિત્ય જગતમાં અદભૂત પ્રદાન આપેલું છે. દળદાર ગ્રંથો જેવા પુસ્તકો સાહિત્યપ્રેમીઓના મોટાભાગના ઘરોમાં અત્યારે પણ શોભા વધારી રહ્યા હશે. લોકમિલાપ પરિવારના યશ મેઘાણીએ કહ્યું કે, તેની 1 લાખ નકલો વેચાઈ હોવાની નોંધ છે. કાવ્યો, ટૂંકી નોંધ, નિબંધો સહિતના તમામ પ્રકારનું સાહિત્ય પ્રકાશનમાંથી ઉપલબ્ધ થાય છે.
હવે કેમ બંધ કરવાનો નિર્ણય? 
દરેકનો એક જ પ્રશ્ન છે કે બંધ થવાનું કારણ શું? ગોપાલભાઈને પૂછતાં તેમણે જણાવ્યું કે, વાચકોની વાંચન ભૂખ વાંચન સૂગ બની ગઈ હોવાથી સોશિયલ મીડિયાનાં જમાનામાં અમે લોકમિલાપ બંધ કરી રહ્યા છીએ તેવું નથી. પરંતુ દરેક શરૂઆતનો અંત હોવાના ન્યાયે હવે અમારો પરિવાર અન્ય પ્રવૃત્તિઓ કરવા માગે છે. મોકળાશ મેળવવાના હેતુથી અમે લોકમિલાપને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
માત્ર પુસ્તક ભંડાર જ નહીં, પણ બાળ ફિલ્મો પુસ્તકમેળાઓ, વૈવિધ્યસભર પુસ્તક યોજનાઓ, સંપાદનો વગેરે દ્વારા લોકમિલાપે સાહિત્ય જગતમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. 1969માં મહાત્મા ગાંધીજીની 100 વર્ષની જન્મ શતાબ્દી નિમિત્તે તો વિદેશોમાં પણ પુસ્તકમેળા ડિસ્કવરી ઓફ ઇન્ડિયાના નામે કરીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું હતું. હવે આ ભગીરથ કાર્ય પર પરદો પડવા જઈ રહ્યો છે, ત્યારે તેનું સંચાલન અન્ય કોઇ દ્વારા સંભાળીને તેને બચાવી પણ શકાય છે. જોકે હાલના સંજોગોમાં તો લોકમિલાપ 26મી જાન્યુઆરી, 1950થી 26મી જાન્યુઆરી, 2020સુધી 70 વર્ષની યાત્રા કરી પૂર્ણવિરામ તરફ આગળ ધપી રહ્યું છે તે નક્કી છે.
(જિજ્ઞેષ ઠાકર-ભાવનગર) 
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]