સૂરતની શાનમાં ખાડાખૈયાં, કેબલ સ્ટેઈડ બ્રિજ પર ભૂવા

ભરુચઃ ભરૂચની નર્મદા નદી પર 379 કરોડના ખર્ચથી બનેલાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજ પર અંકલેશ્વર તરફના છેડા પર બ્રિજ પર ભૂવો પડયો હોવાની ઘટના સામે આવી છે. રોજના 30 હજાર કરતાં વધારે વાહનોની કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી અવરજવર રહેતી હોય છે.

સાતમી માર્ચ 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. માત્ર 21 મહિનાના ટુંકા ગાળામાં જ બ્રિજના રસ્તા પર ભુવો પડી ગયો છે. હાલ તો ભુવાની આસપાસ પીપની આડાશ મુકવામાં આવી છે. બે કે ત્રણ દિવસમાં તેનું રીપેરીંગ કરી દેવામાં આવે તેવી શકયતાઓ છે.

કેબલ સ્ટેઇજ બ્રિજના અંકલેશ્વર તરફનાં છેડેથી પ્રવેશ કરતાં જ ત્યાં ખાડો પડી જતાં રાત્રિના સમયે જ મોટા અને નાના વાહન ચાલકોની માથે જોખમ ઊભું થયું છે. હાલ પૂરતું તો અહીં થીગડું મારી કામચલાઉ સાઇન બોર્ડ મારી દેવાયું છે.

અત્રે નોંધનીય છે કે, આ બ્રિજ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2013માં ઇપીસી બેઝ પર મંજૂર કરવામાં આવ્યો હતો. એટલે આ બ્રિજના નિર્માણ બાદ કોઇ પૈસા ઉઘરાવવાના ન હતા.

પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા માંડવા ગામ નજીક ટોલ પ્લાઝા ઊભુ કરવામાં આવ્યું છે. વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવા છતાં પણ બ્રિજનું મેઇન્ટેનન્સ નહીં થતું હોવાનું આ બાબત ઉપરથી ધ્યાને આવ્યું છે. એટલે ટોલ ઉઘરાવનારી એજન્સીને પણ માત્ર ઉઘરાણીમાં જ રસ હોય તેવો ગણગણાટ લોકોમાં જણાઇ રહ્યો છે.