કોંગ્રેસે ચૂકાદાઓનો પૂરતો અભ્યાસ કર્યો છે? : બારડ મામલે સરકાર

ગાંધીનગર- ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરીના ૨૮ વર્ષ જૂના કેસમાં સૂત્રાપાડા કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી જેના પગલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતાં. આ મામલે બારડના બચાવમાં કોંગ્રેસ રસ્તા પર ઊતરી છે

આ અંગે કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે વિપક્ષ કોંગ્રેસ પોતાના ધારાસભ્યના બચાવમાં ઉતરી આવી છે અને ભાજપાના ધારાસભ્ય તથા પૂર્વપ્રધાન બાબુભાઈ બોખીરીયાના કેસમાં રાજ્ય સરકારે અલગ વલણ અપનાવ્યું તેવા આક્ષેપ કરે છે પરંતુ કોંગ્રેસે અદાલતના ન્યાયિક ચૂકાદાઓનો અભ્યાસ કર્યો જ નથી.

જાડેજાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, ધારાસભ્ય ભગાભાઈ બારડને સૂત્રાપાડાની અદાલતના જ્યૂડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટએ ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી અંગેના આશરે 25 વર્ષ – FIR 51/1995, તા. 19-05-1995ના કેસમાં 1 માર્ચ, 2019ના રોજ દોષિત ઠેરવીને IPC 379 અન્વયે બે વર્ષ, નવ માસની સખત કેદ અને રૂ. 2500ના દંડની સજા કરી છે. જો તેઓ પોતે ખરેખર નિર્દોષ હોય તો 25-25 વર્ષથી ચાલતા આ કેસમાં કેમ પોતાને નિર્દોષ પૂરવાર કરી શક્યાં નથી?

તેમણે ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરીયા સામે કેસ અને સજા થઇ હોવા છતાં તેમને સસ્પેન્ડ કરાયાં નથી એવા વિપક્ષના આક્ષેપો સામે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે 10-07-2013ના રોજ લીલી થોમસ સામેના કેસમાં ચૂકાદો આપેલો છે કે ચૂંટાયેલા જન પ્રતિનિધિને કોઇ પણ કોર્ટ કન્વીક્ટ કરે અને બે વર્ષથી વધુની સજા કરે તો ચૂકાદાની તારીખથી આપોઆપ એનું સભ્યપદ રદ થઈ જાય અને સભ્ય તરીકે તે ગેરલાયક ઠરે છે. પ્રદીપસિંહ જાડેજાએ આ સંદર્ભમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો તા.10-07-2013 પછીના તમામ કેસોમાં લાગુ પડે છે.

જાડેજાએ ઉમેર્યું કે નામદાર સુપ્રીમ કોર્ટે લીલી થોમસના કેસમાં 10-07-2013ના આપેલા ચુકાદાની વિગતો વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે આ ચૂકાદા અન્વયે યોગ્ય ચકાસણી કરીને કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કર્યો છે.

ભાજપાના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સામેના કેસમાં પોરબંદર અદાલતે 15 જૂન, 2013ના રોજ સજા કરી હતી એટલે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલાં આ સજા થયેલી હતી. એટલું જ નહીં, તે જ દિવસે જે.એફ.એમ.સી. કોર્ટે જામીન મંજૂર કરી દીધા હતા અને તે પછી ઉપલી કોર્ટે પણ સજાના અમલ પર ‘સ્ટે’ આપેલો અને અપીલમાં તેઓ નિર્દોષ જાહેર થયેલાં છે. ભારતના ચુંટણી પંચે પણ સર્વોચ્ચ અદાલતના 10-07-2013ના લીલી થોમસ કેસના ચૂકાદા અન્વયે 13-10-2015ના પરિપત્ર કરીને જન પ્રતિનિધિને ગેરલાયક ઠેરવવા અંગેના દિશાનિર્દેશો આપેલા છે.

આમ બાબુ બોખીરીયાની સામે 15-06-2013ના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટનો લીલી થોમસ કેસનો ચૂકાદો 10-07-2013ના રોજ અને ચુનાવ આયોગનો પરિપત્ર 13-10-2015ના થયેલ હોઇ તેમના કિસ્સામાં ગેરલાયક ઠરાવવાની કે સસ્પેન્ડ કરવાની જોગવાઇઓ લાગુ પડતી નથી એમ જાડેજાએ સાફ શબ્દોમાં જણાવ્યું છે.