ચેતોઃ આ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બોગસ છે

ગાંધીનગર-સંયુક્ત ગ્રામ વિકાસ સંસ્થાના ભળતા નામે સરકારી હોવાનો ભ્રમ પેદા કરી ફીના રૂપિયા પડાવવાનો કારસો કરીને લોકોને ઠગવાનો ધંધો થઇ રહ્યો હોવાની સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી છે.રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનરની યાદીમાં જણાવાયું છે કે, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ગાંધીનગરના નામથી હાલ સોશિયલ મીડિયા તથા વોટ્સઅપ ગૃપના માધ્યમથી જુદાજુદા સંવર્ગની ભરતી કરવા માટે જાહેરાત સંયુક્ત ગ્રામ્ય વિકાસ સંસ્થાના નામે આપવામાં આવેલ છે.આ જાહેરાત સદંતર જૂઠાણું છે અને તેથી  ન છેતરાવા અપીલ કરવામાં આવી છે.

લોકોને ભ્રમિત કરવા આ સંસ્થાના નામમાં રૂરલ ડેવલપમેન્ટ, ગાંધીનગર શબ્દ પ્રયોજાયો છે જેથી કરીને નોકરીવાંચ્છુ ઉમેદવારો દ્વારા રાજ્યની ગ્રામ વિકાસ કચેરીનો રુબરુ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે, પરંતુ આવી કોઇ જાહેરાત કમિશનરની કચેરી ગ્રામ વિકાસ ગાંધીનગર દ્વારા આપવામાં આવી નથી.

આ જાહેરાતમાં ઉમેદવારી માટે ઓનલાઇન ફી પણ ભરવાનું દર્શાવાયું છે જે સદંતર છેતરપિંડી છે, તેનાથી ચેતવા અનુરોધ કરવામાં આવ્યો છે.