બાબાની આ બાબાગાડી બનાવવામાં નિમિત્ત છે અનોખી પરિસ્થિતિ….

અમદાવાદઃ અત્યંત આધુનિક થઇ રહેલા આજના યુગમાં કોઇપણ પરિવારમાં બાળકનો જન્મ થાય એ પૂર્વે અવનવા સ્વપ્ન સાથે કેવી રીતે સંતાનો ઉછેર કરશું એની તૈયારીઓ શરૂ કરી દે છે. બેબી બમ્પની ફોટોગ્રાફીથી લઇ કેક કટિંગ અને જન્મ પહેલાં જ લેટેસ્ટ રમકડાંની ખરીદી થઇ જાય છે. બાળકની માવજત માટે દંપતિ બેબી ક્લોથ, ડાયપર્સથી માંડી હેલ્થ કેરના સાધનોની પણ સંપૂર્ણ તૈયારીઓ રાખે છે.

બાળકનો જન્મ થાય પછી સમયાંતરે આ આધુનિક મોમ-ડેડ ઉંમર પ્રમાણેના રમકડાં પણ ખરીદતા જાય છે. જુદી જુદી કાર્સ, વિમાન, કન્સ્ટ્રક્શન ટોયસ, ગેઇમ્સ જેવા અનેક થીમ બેઇઝ રમકડાંનો બાળક પાસે ઢગલો થઇ જાય.
પણ આપણી આસપાસ એક એવો વર્ગ પણ છે, જે બે ટંકના ભોજન માટે, રોજગારી અર્થે એકસ્થળેથી બીજા સ્થળે મજૂરી માટે સતત ફર્યા કરે છે, વિચરતો રહે છે.


નવા માર્ગોનું નિર્માણ કરતાં, સમારકામ-માવજત કરતાં અને ઇમારતોના બાંધકામ કરવા દૂરદૂરથી આવતા શ્રમિકોના બાળકોના જન્મ, ઉછેર અને ભણતર એક અભ્યાસ માગી લેતો વિષય છે. પોતાના કામના સ્થળ પર એ પછી રોડ હોય કે ઇમારતની નજીક જ વસવાટ કરતાં બાળકોના રમકડાં પણ અનોખા હોય છે. પોતાને મળતી મર્યાદિત સગવડમાં પણ આ બાળકો ખુશ હોય છે. ક્યારેક એમનામાં રચનાત્મકતા પણ જોવા મળે છે.ક્યારેક અતિ સાધન સંપન ઘરના બાળકોને બધી જ સગવડો છતાંય દુઃખી જોવા મળે છે. જ્યારે કુદરત અને માનવ સર્જિત આફતો વચ્ચે રહેતા શ્રમિકોના બાળકો દરેક પરિસ્થિતમાં સતત હસતાં-ખુશખુશાલ જોવા મળે છે.

તાજેતરમાં જ એક નવી બનતી ઇમારતના માર્ગ પર વસવાટ કરતાં એક નાના બાળકની આગવી સૂઝ Chitralekha.com ના કેમેરા કાંડારાઇ હતી. મજૂરી કરી પેટીંયુ રળતા પરિવાર પાસે આધુનિક રમકડાં ના હોય એ સમજી શકાય. પણ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી મનોરંજન મળવી શકાય એ કોન્સેપ્ટ એક બાળકે અપનાવી લીધો. પ્રવાસમાં વપરાતી ટ્રોલી બેગ( પૈડા વાળી બેગ) સહેજ ખરાબ થતાં કોઇ માલેતુજારે માર્ગ પર ફેકી દીધી. એ પૈડા વાળી બેગનો ઉપલો ભાગ કાઢી એની બાબા ગાડી બનાવી. ઘોડિયું, ખોયાના પણ ઠેકાણાં ના હોય એવા શ્રમિક પરિવારના પાંચ વર્ષના બાળકે પોતાના છ માસના ભાઇને બાબા ગાડી બનાવી સૈર કરાવી..મા-બાપ કામે ગયા પણ પાંચ વર્ષના બાળકે આંતર સૂઝથી રડતાં ભાઇને બેગ માથી બાબા ગાડી બનાવી છાનું રાખી, હાલા કરાવી દીધી.

(અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]