સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં યુવાનો માટે ખાસ આકર્ષણો ઉમેરાયાં…

નર્મદાઃ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે યુવાઓ માટે અનેરું આકર્ષણ ઉભું કરાયું છે. આદિવાસી સંસ્કૃતિ તથા વેલી ઓફ ફલાવર્સ તથા પ્રતિમા સાથે યુવાઓને ફોટો પાડવાની તક પૂરી પાડવા ઉપરાંત વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ ઉભા કરયા છે. તેમ જ વ્યૂઇંગ ગેલેરી પણ ઉભી કરાઇ છે.

સોશિયલ મીડિયાનો યુવાઓમાં વધતો જતો ક્રેઝ ધ્યાને લઇને વિશ્વસ્તરના આ પ્રવાસન સ્થળે સરદાર સાહેબની પ્રતિભાની સાથે યુવક-યુવતીઓ પોતાની તસવીર ખેંચી શકે તે માટે ખાસ વેલી ઓફ ફલાવર્સ, પ્રતિમા સ્થળ તેમજ અમગ્ર પરિસરમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખીની સાથે કુદરતી નજારો જોવા મળે તે રીતે વિવિધ જગ્યાઓ પર સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા છે, જે યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

પરિસરમાં પ્રતિમાની સામે, વેલી ઓફ ફલાવર્સમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં પરિવારની અદભૂત મૂર્તિઓ તથા સરદાર સાહેબની પ્રતિમાની સાથે સેલ્ફી પડાવવાની અનેરી તક મળશે. ઉપરાંત પ્રતિમાની સામેના બગીચામાં અદભૂત પતંગિયાની પ્રતિકૃતિ ઉભી કરાઇ છે. જેની સાથે સરદાર સાહેબની પ્રતિમાની સેલ્ફી મળી રહેશે, એ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આમ, સમગ્ર પરિસરમાં યુવક-યુવતીઓ સહિત સહેલાણીઓને આકર્ષવા માટેનો અનેરો પ્રયત્ન કરાયો છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.