સૂરતમાં પાર્કિંગ પૉલીસીને મંજૂરીઃ અન્ય શહેરોમાં પણ પાર્કિંગ પૉલીસી લાગુ થશે

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સૂરત મહાનગરની સૂચિત પાર્કિંગ પોલીસીને મંજૂરી આપી છે. સૂરત મહાનગરમાં ઝડપથી વધતી વસતી અને વાહનોના વપરાશને પરિણામે ટ્રાફિક તેમ જ ટ્રાન્સપોર્ટને લગતી સમસ્યાના નિવારણ માટે સૂરત મહાનગરપાલિકાએ આ સૂચિત પાર્કિંગ પોલીસી અને પાર્કિંગ બાયલોઝ રાજ્ય સરકારમાં રજૂ કર્યા હતાં.સૂરત ગુજરાતમાં વસતીના ધોરણે રાજ્યનું સૌથી મોટું બીજા ક્રમે આવતું શહેર છે. હીરા ઊદ્યોગ સહિત અન્ય ઊદ્યોગોમાં ૧૦ લાખ લોકોને રોજગાર અવસરો આપે છે. એટલું જ નહિ, આ મહાનગરના ૬પ કિ.મી. વિસ્તારમાં BRTS જનમાર્ગ રોજના ૩પ હજારથી વધુ મુસાફરો વહન કરે છે અને સાડા સાત લાખ જેટલા લોકો ઓટો/ટેક્ષી/કારમાં અવર-જવર કરે છે. છેલ્લા દસકામાં વિપુલ પ્રમાણમાં વાહન નોંધણી અને વપરાશને પરિણામે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર પાર્કિંગ પોલીસી માટે ગંભીરતાપૂર્વક વિચારાધીન છે.

ગુજરાતના શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાની સરળતા માટે રાજ્યવ્યાપી ઝૂંબેશ પણ રાજ્ય સરકારે હાથ ધરેલી છે. હવે, સૂરત મહાનગરમાં સૂચિત સુઆયોજિત પાર્કિંગ પોલીસીને મુખ્યપ્રધાને મંજૂરી આપતાં મહાનગરોમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારણમાં મહત્વપૂર્ણ ડગ રાજ્ય સરકારે માંડ્યું છે.સૂરત મહાનગરની આ સુચિત પાર્કિંગ પોલીસી અન્વયે રાષ્ટ્રીય શહેરી વાહન વ્યવહાર નીતિ NUTP 2006ને ધ્યાને રાખી ખાસ મહત્વના પ્રીમીયમ એરીયા અને અન્ય વિસ્તારો માટે માર્ગ પરના એટલે કે ઓન સ્ટ્રીટપાર્કિંગ માટેના દરો નિયત કરાયા છે. આ  દરોમાં અલગ-અલગ વાહનો ત્રિચક્રી, મોટરકાર, હળવા તથા ભારે વ્યાપારી વાહનો માટે સમય મુજબ દરો નક્કી કરવામાં આવ્યા છે તે જ રીતે આવા વિસ્તારો માટે ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટેની સગવડો પણ દર વસુલ લઇને ઉપલબ્ધ કરવામાં આવશે.વાહન માલિકો પોતાના આવાસ કામકાજના સ્થળે પ્રાપ્ત પાર્કિંગ વપરાશ માટે વાર્ષિક કે અર્ધવાર્ષિક દર ચૂકવી પાર્કિંગ અને વપરાશની રજા ચીઠ્ઠી મેળવી શકશે, તેવી જોગવાઇ પણ આ સtચિત પાર્કિંગ પોલીસીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

વિશેષ ઉલ્લેખનીય એ છે કે, આ પોલીસીમાં વસૂલ કરાયેલ પાર્કિંગ દર અને દંડની રકમ પાર્કિંગના બાંધકામ અને જાહેર વાહન વ્યવહારની સગવડ માટે ઉપયોગમાં લેવાશે. દિવ્યાંગના આધુનિક વાહનો અને સાયકલ નિ:શુલ્ક પાર્ક થઇ શકે તથા પાર્કિંગ પ્લાન તૈયાર કરી ‘નો પાર્કિંગ ઝોન’ વિગેરેનું આયોજન પણ આ પાર્કિંગ પોલીસી તહેત કરવામાં આવશે. વાહન ધારકને પાર્કિંગ ફી માટે ઇલેકટ્રોનીક ચલણ ડેબીટ/ક્રેડીટ કાર્ડ / મોબાઇલ થી ફી ચૂકવવા વિકલ્પ મળી શકશે તેમજ કોઇ બાબતે નાગરિકને અસંતોષ/વાંધો હોય તો અપીલ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ માટે ટ્રાફીક સેલની રચના કરવામાં આવશે. જેના વડા તરીકે કાર્યપાલક ઇજનેર સમકક્ષ કે તેથી વધુ લાયકાત ધરાવનાર વ્યકિતને ડાયરેકટર તરીકે નિમણૂક અપાશે.આ સૂચિત પાર્કિંગ પોલીસીમાં સરકારી શાળાઓ, કચેરીઓ વિગેરે જ્યાં અમુક સમય માટે ખુલ્લી જગ્યાઓ રહેતી હોય તો શેરીંગના ધોરણે પાર્કિંગ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. માલવાહક વાહનો તેમજ સાયકલ જેવા બિનયાંત્રિક વાહનો માટે પણ નિયમન થાય તે રીતે પોલીસીમાં નીતિ તૈયાર કરવામાં આવી છે. સ્માર્ટ સિટી અંતર્ગત પાર્કિંગ શોધવામાં લોકોનો સમય બગડે નહિ તે રીતે માહિતી મળી શકે તેવી મોબાઇલ ફોન એપ્લીકેશન/વેબસાઇટનું આયોજન પણ આ સૂચિત પાર્કિંગ પોલીસી અન્વયે કરવામાં આવશે.