ઓડ હત્યાકાંડ મામલે હાઈકોર્ટનો ચૂકાદોઃ 14 આરોપીની આજીવન કેદની સજા યથાવત, ત્રણ નિર્દોષ જાહેર

અમદાવાદઃ ઓડ હત્યાકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. નીચલી કોર્ટ દ્વારા 18 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેમાથી 14 લોકોને આજીવન કેદની સજા હાઈકોર્ટે યથાવત રાખી હતી. તો આ સીવાય આજીવન કેદની સજા પામેલા આરોપીની સજા કોર્ટે રદ્દ કરી હતી. તો આજીવન કેદની સજા મેળવેલા હરિષ પટેલ નામના વ્યક્તિનું મોત થઈ ગયું છે.

હાઈકોર્ટે પાંચ લોકોને મળેલી સાત સાત વર્ષની સજામાં પણ કોઈ વધારો કર્યો નથી. પાંચ વ્યક્તિઓને નીચલી કોર્ટે ફટકારેલી સાત સાત વર્ષની સજા પૂર્ણ થઈ ગઈ છે અને કોર્ટે પાંચેય વ્યક્તિઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તો આ સીવાય સજામાં વધારો કરવા માટે પણ કોર્ટમાં દલીલો થઈ હતી જેને કોર્ટે ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે નીચલી કોર્ટે 12મી એપ્રિલ 2012ના રોજ આ કેસમાં 18 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે 5 આરોપીઓને સાત સાત વર્ષની સજા ફટકારી હતી. નીચલી કોર્ટની સજાને આરોપીઓએ હાઈકોર્ટમાં પડકારી હતી.

મામલાની વિગત જોવા જઈએ તો ગોધરાકાંડ થયા બાદ 1 માર્ચ, 2002ના રોજ આણંદ જિલ્લાના ઓડ ગામમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં 23 જેટલા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટમાં કેસ ચાલતા 12મી એપ્રિલ 2012ના રોજ વિશેષ કોર્ટના ન્યાયાધીશ પૂનમ સિંઘે ચુકાદો સંભળાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]