વિદેશથી આવી રહેલા લોકો માટે સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગરઃ વિદેશથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ યાત્રીઓ માટે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ તથા યાત્રિકો વિદેશથી આવી રહ્યા છે તેમને 14 દિવસ માટે ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીનમાં રહેવું જરૂરી છે. જો કે, આ માટે તેઓ બે વિકલ્પ પસંદ કરી શકે છે : ફ્રી અથવા પેઈડ.

ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન માટે સરકાર આ યાત્રિકો કે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા તો રાજ્યના 31 જિલ્લાઓમાં કરશે જ, પરંતુ જે લોકો પોતાના ખર્ચે કોઈ હોટેલ અથવા અન્ય સ્થળે ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન થવા માંગતા હોય તો તે અંગેનો વિકલ્પ પણ સરકારે ખુલ્લો મુક્યો છે. તમામ જિલ્લાઓને આ અંગેની વ્યવસ્થા કરવા માટે પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે.

આ માટે યાત્રિકો અને વિદ્યાર્થીઓ તેમને અનુકૂળ જિલ્લો પસંદ કરી શકે છે અને આ અંગે એરપોર્ટ ઉપર એરાઇવલ ઉતર્યા બાદ તુરંત જ તેમના પસંદગીના જિલ્લા મથકની નોંધ કરાવી શકે છે. વિદેશથી પરત આવી રહેલા આ યાત્રિકો અને વિદ્યાર્થીઓને તેમના સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવાની બસની વ્યસ્વ્સ્થા નિઃશુલ્ક રૂપે સરકાર મારફત કરવામાં આવશે.