કોરોનાસંકટમાં સાધારણ પરિવારોના બાળકો-વાલીઓ સામે શિક્ષણ-સુવિધાના પડકાર

અમદાવાદઃ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે શાળાઓ બંધ છે પરિણામે અમદાવાદના શહેરી વિસ્તારોમાં રહેતા ઓછી આવકવાળા પરિવારોના બાળકો માટે શિક્ષણની સુવિધાઓની સ્થિતિ અંગે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અગ્રગણ્ય બી-સ્કૂલોમાંની એક ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A) અને કેએમઆઈસી દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જુલાઈથી સપ્ટેમ્બર-2020 દરમિયાન આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું અને ઓછી આવકવાળા 375 માતા-પિતા તથા 700 બાળકોનો એમાં સમાવેશ કરાયો હતો. રિમોટ શિક્ષણ અને સામગ્રીની પહોંચ, આવા માતા-પિતા તથા એમના સંતાનો સમક્ષના પડકારો અને શિક્ષણ સંબંધિત એમના નિર્ણયોને બહાર લાવવા માટે આ સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેક્ષણ IIMA તથા UNICEF ગુજરાતના સહયોગમાં KMIC પહેલના ભાગરૂપે હાથ ધરાયું હતું.

સર્વેનું તારણ આ પ્રમાણે આવ્યુઃ નિમ્ન આવકવાળા પરિવારોને આર્થિક સંકટનો સૌથી વધારે સામનો કરવો પડ્યો છે. માર્ચ-2020 પછી સરકારી કે ખાનગી શાળાઓના બાળકો ઔપચારિક શિક્ષણ મેળવી શક્યા નહોતા. રિમોટ શિક્ષણ સુવિધા માટેના ઉપકરણો, સાધનોની સંખ્યા બહુ ઓછી છે. 60 ટકાથી ઓછા ઘરોમાં 4G સુવિધાવાળા સ્માર્ટફોનની પહોંચ હતી. પરંતુ હાઈસ્પીડ ઈન્ટરનેટ રિચાર્જ તથા અનેક બાળકો માટે એક કરતા વધારે ઉપકરણની જરૂરિયાતને કારણે ઘણા બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે. સર્વે કરાયેલા બાળકોમાંના 25 ટકાથી પણ વધારે બાળકો લોકડાઉનમાં કોઈ ઔપચારિક શિક્ષણ મેળવી શક્યા નહોતા. ઓછી આવકવાળા પરિવારોનાં બાળકોની સંખ્યા આમાં વધારે હતી. સરકારની મનાઈ હોવા છતાં ખાનગી શાળાઓએ ફી માટે માગણી ચાલુ રાખતાં એવી શાળામાં ભણતા બાળકોનાં માતા-પિતાની ચિંતા વધી ગઈ હતી. ઘણા મા-બાપે કહ્યું કે એમના સંતાન ઓનલાઈન લેક્ચરમાં હાજર ન રહેતા એમને પેનલ્ટી ભરવી પડશે અને એમને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપવામાં નહીં આવે. તેથી એવા માતા-પિતા એમના બાળકોને બીજી શાળામાં ટ્રાન્સફર કરવા અથવા એનું ભણતર જ સાવ છોડાવી દેવા વિચારે છે.

સર્વેના અહેવાલમાં અમુક સૂચનો પણ છે. જેમ કે, સરકારે હેલ્પલાઈનો શરૂ કરવી જોઈએ, કાઉન્સેલિંગ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, લેટેસ્ટ નોટિસો અને રિમોટ શિક્ષણ સાધનો અંગે માહિતી પૂરી પાડવી જોઈએ.