અમૂલે કેમલ મિલ્ક બજારમાં મૂકવાની જાહેરાત કરી, 500 ગ્રામનો ભાવ રુપિયા…

આણંદ– ભારતના સૌથી મોટા ફૂડ પ્રોડકટસ ઓર્ગેનાઈઝેશન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) (અમૂલ ફેડરેશન) ગુજરાતનાં પસંદગીનાં બજારો (ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ) માં અમૂલ કેમલ મિલ્ક મૂકવાની જાહેરાત કરી છે. અમૂલે ભારતને આઝાદી હાંસલ થઈ તે પહેલાં છેક 1946માં શરૂ થયેલી ખેડૂતોની સહકારી ચળવળની શક્તિનું નોંધપાત્ર ઉદાહરણ છે.

વિશ્વમાં ભારતના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતી ડેરી સંસ્થા તરીકે જાણીતુ અમૂલ ભારતમાં સૌ પ્રથમવાર ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક બજારમાં મૂકી રહ્યું છે. કેમલ મિલ્ક પચવામાં આસાન હોય છે અને તેના ઘણા લાભ છે, જેમાં ઈન્સ્યુલીન જેવા પ્રોટીનનું ઉંચુ પ્રમાણ તેને ડાયાબિટીક વ્યક્તિ માટે લાભદાયી બનાવે છે. કેમલ મિલ્ક હજારો વર્ષથી વિવિધ સંસ્કૃતિઓમાં ઉપયોગમાં લેવાતુ આવ્યું છે અને આયુર્વેદના ગ્રંથોમાં પણ તેના ગુણોનો ઉલ્લેખ કરાયો છે. સંશોધન લેખોમાં પણ સૂચવાયું છે કે કેમલ મિલ્કડેરી એલર્જી ધરાવતાં લોકોને પણ લાભદાયી છે, કારણ કે તેમાં કોઈ એલર્જન્ટ નથી.

કચ્છમાંથી પ્રાપ્ત કરાયેલું આ દૂધ 500 મિ.લિ.ની પેક બોટલમાં રૂ.50ની કિંમતે ઉપલબ્ધ થશે. તેને ત્રણ દિવસની સેલ્ફ લાઈફ માટે ઠંડુ કરવાની જરૂર રહે છે. અમૂલે અગાઉ કેમલ મિલ્ક ચોકલેટ બજારમાં રજૂ કરી હતી, તેને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભૂજની સ્વૈચ્છિક સંસ્થા સહજીવન અને કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સરહદ ડેરી, કચ્છ મારફતે ઊંટ ઉછેરતાં લોકોને સંગઠીત કરાયા છે. આ પહેલને પરિણામે સારા બજાર ભાવ અને ગ્રાહકોને આરોગ્યપ્રદ રીતે પ્રોસેસ કરેલા સુપિરિયર ક્વોલિટીનું કેમલ મિલ્કનો લાભ મળશે.

અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢી જણાવે છે કે” ઊંટ ઉછેરતાં ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે અમે આવુ દૂધ રજૂ કરનાર પ્રથમ ડેરી બન્યા છીએ. અમે ડાયાબિટીક મેનેજમેન્ટના સાધન તરીકે આ રજૂ કરી રહ્યા

છીએ, તે અમારા માટે ગૌરવદાયી ક્ષણ છે. પચવામાં આસાન અને આરોગ્યના વિવિધ લાભ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્ર ખૂલ્યું છે.” એ બાબત નોંધવી જોઈએ કે ગુજરાત સરકારે રાજ્યના કચ્છ જીલ્લામાં કેમલ મિલ્કની પ્રોસેસીંગ માટે નવા પ્લાન્ટ સ્થાપવા માટે સબસીડી ફાળવી છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે અમૂલે વર્ષ 2017-18 દરમ્યાન રૂ.41,000 કરોડનું ટર્ન ઓવર કર્યું છે. ગ્રાહકો પાસેથી મળેલા 80થી 85 ટકા રૂપિયા દૂધ ઉત્પાદક સભ્યોને પરત કરાય છે. આ રીતે તેમને વધુ દૂધ પેદા કરવા માટે પ્રોત્સાહિત કરાય છે.