ગણેશ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા 32 કુંડ તૈયાર, જાણો તમારા વિસ્તારમાં કુંડની વિગતો

અમદાવાદ- ગણેશ મહોત્સવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ વિસર્જન કુંડમાં કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આગામી 23મી સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જનનો છેલ્લો દિવસ છે. નદી કે તળાવમાં આ વખતે મૂર્તિનું વિસર્જન ન કરવાનું હોવાથી મ્યુનિ.તંત્ર દ્વારા શહેરમાં કુલ 32 ગણેશ વિસર્જન કુંડ બનાવ્યા છે. જેમાં 8 મહાકાય કુંડો બનાવાયા છે. જે 65 ફૂટ લાંબા અને પહોળા તેમજ 8 ફૂટ ઉંડા રખાયા છે. જેમાં મૂર્તિના વિસર્જન માટે 30 ક્રેઇનની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.સાબરમતી રિવરફ્રન્ટ પર મહત્તમ કુંડો બનાવાયા છે. ઉપરાંત વસ્ત્રાલ, હાથીજણમાં પણ કુંડો બનાવાયા છે. આ વખતે નદી પરના બ્રિજો પર ક્રેઇનો નહીં મૂકાય પરંતુ રિવરફ્રન્ટ પર બનાવાયેલા કુંડોમાં મૂર્તિના વિસર્જન માટે ૩૦ ક્રેઇનો તૈનાત રખાશે. જેમાં 22 ક્રેઇનો કુંડ પર મુકાશે અને 8 ક્રેઇનો સ્ટેન્ડ બાય રખાશે.

ગણેશ વિસર્જન દરમિયાન 160થી પણ વધુ મ્યુનિ.કર્મીઓનો સ્ટાફ તેમાં ફરજ બજાવશે. મૂર્તિને કુંડમાં પધરાવ્યા બાદ ક્રેઇનની મદદથી બહાર કાઢીને તેને ટ્રેક્ટરમાં ભરીને પંડાલમાં સન્માનપૂર્વક મૂકાશે. કુંડોમાં પાણી ભરવા માટે પંપ મૂકાયા છે. જ્યાં તેની વ્યવસ્થા નહીં હોય ત્યાં પાણીના ટેન્કરોથી પાણી ભરાશે.

ઉલ્લેખનીય છે કે, આજે અને આવતીકાલે ગણેશ વિસર્જન માટે ભારે ભીડ રહેશે. આ બે દિવસ દરમિયાન કોઇ અકસ્માત ન થાય તેમજ વિસર્જનની કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેના જરૂરી પગલા લેવામાં આવ્યા છે. મોનિટરીંગ માટે ડે.કમિશનર અને આસી.કમિશનરને ખડેપગે રહેવાની સૂચના અપાઇ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]