એ…હાલો..મા અંબાના દર્શને…શક્તિપીઠ અંબાજીમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યાં

અંબાજી- એ…હાલો…મા અંબાના દર્શને….પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યાં છે. સાત દિવસીય ભક્તિ, આસ્થાના ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ, દર્શનાર્થીઓથી અંબાજી ઉભરાઇ રહ્યું છે.સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી એટલે કે, 19મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરુ થશે. ત્યારે અંબાજીમાં એક દિવસ અગાઉ જ જાણે મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે મેળાનાં આગલા દિવસે જ યાત્રિકોનો ભારે ઘસારો અંબાજી શહેરમાં જોવા મળી રહ્યો છે. જય અંબેના નાદ સાથે હજારો શ્રદ્ધાળુંઓ મા અંબાના દર્શનાર્થે પહોંચ્યાં હતાં. તો બીજી તરફ મંદિરમાં પણ ભારે ભીડ થતાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી.

આ ઉપરાંત દૂર દૂરથી આવતાં પગપાળા સંઘો પણ અંબાજી ખાતે પહોંચતાં મેળાના એક દિવસ અગાઉ જ અંબાજીમાં મેળાનો રંગ જામ્યો છે. જેમાં અમદાવાદના વ્યાસવાડીથી નિકળેલો પગપાળા સંઘ પણ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો ને મેળાનાં આગલા દિવસે 52 ગજની ધજા સાથે અન્ય 24 ધજાઓ માતાજીને ચઢાવી જયઘોષ કર્યો હતો. અને આ વર્ષે 25 વર્ષ પૂર્ણ થતાં હોઇ 25 ધજાઓ માતાજીને અર્પણ કરી રજત મહોત્સવ પણ ઉજવ્યો હતો.