જય અંબેના જયનાદથી ગૂંજી ઉઠ્યું અંબાજી, ભાદરવી પૂનમના મેળાનો રંગેચંગે પ્રારંભ

અંબાજી- યાત્રાધામ અંબાજીમાં આજથી મીનીકુંભ સમા ભાદરવી પુનમનાં મેળાનો વિધિવત્ત પ્રારંભ કરાયો છે. બનાસકાંઠા જીલ્લા કલેકટરે આજે મેળાનાં પ્રથમ દિવસે અંબાજી તરફ આવી રહેલાં પદયાત્રીઓનાં રથને અંબાજીમાં પ્રવેશ કરાવી મેળાનો શુભારંભ કર્યો હતો. અને માતાજી સમક્ષ આરતી ઉતારી મેળામાં કોઈ પણ વિઘ્ન ન આવે તે માટે માતાજીને પ્રાર્થના પણ કરાઇ હતી.

મેળાનાં આજે પ્રથમ દિવસે માહીતી ખાતા દ્વારા લગાયેલાં સરકારની વિવિધ યોજનાનાં પ્રદર્શન સહીત આરોગ્ય લક્ષી વિવિધ યોજનાનાં પ્રદર્શનોને જાહેર જનતા માટે ખુલ્લા મુકાયા હતાં. ભાદરવી પુનમના મેળામાં આ વર્ષે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, વોડાફોન કંપનીનાં સહયોગથી ખોવાયેલાં બાળકોને શોધવા માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. જો કોઇ બાળક મેળામાં ખોવાઈ જાય તો બાળકના ગળામાં પહેરાવવામાં આવેલા કાર્ડ ઉપર છાપેલાં બારકોર્ડની મદદથી તેનાં વાલીનો સરળતાથી સંપર્ક કરી શકાશે.

આ ઉપરાંત મેળામાં આવતાં પદયાત્રીઓને સાત દિવસ સુધી બંન્ને ટાઇમ નિશુંલ્ક ભોજન મળી રહે તે માટેની પણ સુવિધા ગોઠવવામાં આવી છે. તેમજ મેળા દરમિયાન વાહનોનાં પ્રતિબંધિત વિસ્તારમાં પદયાત્રીઓનાં લાવવા લઇ જવા માટે પાંચ જેટલી વિના મુલ્ય એસ.ટી બસની સુવિધા પણ ઉપલબ્ધ  કરાવવામાં આવી છે.

ભાદરવી પૂનમ પ્રસંગે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

સવારે આરતી- 6:15 થી 6:45

સવારે દર્શન – 6:45 થી 11:30

રાજભોગ – બપોરે 12:00 થી 12:30

બપોરે દર્શન -12:30 થી 5:00

સાંજે આરતી – 7:00 થી 7:30

સાંજે દર્શન – 7:30 થી રાત્રે 1:30