તમામ અટકળોનો અંત, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયાં કહ્યું…

અમદાવાદઃ છેલ્લાં ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું ત્યારથી આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે આજે હવે આખરે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયાં છે. બંનેએ પ્રદેશાધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ પહેરી લીધો છે.

ક્ષત્રિય સમાજની બેઠક બાદ લેવાયેલા નિર્ણય પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ભાજપમાં જોડાવા માટે આજે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને બાડયના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગાંધીનગર કમલમમાં પહોંચ્યા હતા. બંને નેતાઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે કમલમ પહોંચ્યા હતા.કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ વિધિવત રીતે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. બંને નેતાઓ ભાજપમાં જોડાયાનો જીતુ વાઘાણીએ આનંદ વ્યક્ત કર્યો હતો.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ