ચૂંટણી પ્રક્રિયા બની તેજ રફતાર, વિડીયો રેકોર્ડિંગ સાથે EVM ફાળવણી શરુ

અમદાવાદ- અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વિક્રાંત પાંડેએ આજે વિધાનસભા મતવિસ્તાર મુજબ ઈ.વી.એમ મશીનોની ફાળવણી કરી જે તે સ્થળ પર રવાના કરાવ્યાં હતાં. આજે રવાના થયેલા ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત કારશે અને ઉમેદવારો નક્કી થયાં બાદ પૂર્ણરૂપથી ઈવીએમના વિવિધ વિભાગો તૈયાર કરવામાં આવશે. મહત્વનું છે કે, ગઈકાલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ આજે ચૂંટણી પ્રક્રિયાની આગળની કાર્યવાહી માટે ઈવીએમ મશીનોને વિધાનસભા મતવિસ્તાર મુજબ રવાના કરવામાં આવ્યાં હતાં.

જે મતવિસ્તાર માટે ઈવીએમ ઉપયોગમાં લેવાના છે તેની હાર્ડ અને સોફ્ટ કોપી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાની શરુથી લઈ અંત સુધીની વિડિયોગ્રાફી અને સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમ કલેક્ટરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આ વખતે 1,63,000 મોકપોલ કરવામાં આવ્યાં છે, 1060થી વધુ સ્થળોએ ઈવીએમના નિદર્શન દ્વારા 2 લાખથી વધુ લોકોને ઈવીએમની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા છે. અને હજુ વધુને વધુ લોકો ઈવીએમની કામગીરીથી વાકેફ થાય તે માટેની કામગીરી ચાલુ છે. કલેક્ટરે આ સમગ્ર પ્રક્રિયા નિહાળી ઈવીએમ વિવિધ સ્થળોએ સમયમર્યાદામાં પહોંચે અને સંગ્રહિત થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.