સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ખુશખબર

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે વાયબ્રન્ટ ગુજરાત 2019ના ભાગરૂપે નવી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. ત્યાં આજે વિજય રૂપાણી સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રએ ચર્ચા કરી હતી.આ ચર્ચામાં મહાપાત્રાએ કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે બહોળા પ્રમાણમાં લોકો આવી શકે તે માટે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવાશે, ઉપરાંત રાજકોટ, ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપશે.

ધોલેરામાં  ઇન્ટરનેશનલ એરપોર્ટને  અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિક્સાવીને આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે અનુરૂપ બનાવાશે.

રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ માટે 99 વર્ષના લીઝ પર 2500 એકર જમીન માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયાં છે, આગામી ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ નિર્માણની કામગીરીનો  પ્રારંભ કરાશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયાને રેલવે નેટવર્ક સાથે સાંકળી લેવાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાની સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના છ જેટલા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા અને નિર્ણયો કર્યા હતાં.

આ મહત્વપૂર્ણ નિર્ણયો મુજબ સરદાર સાહેબની વિરાટ પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળ કેવડીયા સુધી રેલવે લાઈન નાખવાની કામગીરી ઝડપી બનાવાશે. ગરુડ યોજના અન્વયે આગામી વર્ષ-૨૦૧૯માં ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન અને ત્યાં નિર્માણ પામી રહેલ ફાઈવસ્ટાર હોટલ સહિત મોડેલ રેલ્વે સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગત 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી અત્યાર સુધીમાં અહીં પ્રવાસીઓનો મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે.