અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડીયમમાં સીએમની અધ્યક્ષતામાં યોગ દિનની ઉજવણી

અમદાવાદઃ આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આખા દેશમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. સરદાર પટેલ સ્ટેડિયમમાં મુખ્યપ્રધાનની સાથે આશરે 10 હજારથી વધુ લોકોએ યોગ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂને ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય કાયદા રાજ્ય પ્રધાન પી.પી. ચૌધરી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર.સુભાષ રેડ્ડી, મેયર બિજલબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. યોગના પ્રારંભે યોગસાધકોએ વીડિયોના માધ્યમથી યોગનું માર્ગદર્શન મેળવ્યું હતું.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ભારતની જ્ઞાન પરંપરામાં યોગના અદ્ભૂત પ્રદાનને આવકારતાં જણાવ્યું હતું કે, ’યોગ ભારતીય સંસ્કૃતિના પ્રતિક રૂપે વિશ્વ આખામાં ઉભર્યો છે એટલું જ નહીં તેને વૈશ્વિક સ્વીકૃતિ પણ મળી છે. રાજ્યપાલ કોહલીએ જણાવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. મનને શાંત કરવા યોગ એ શ્રેષ્ઠ અને સમર્થ માધ્યમ છે. સાથે સાથે યોગ શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને આત્માને પરમાત્મા સાથે જોડવાનું પણ માધ્યમ છે એમ તેમણે ઉમેર્યું હતું.’

રાજ્યમાં 75 લાખ નાગરિકો સામુહિક યોગ સાધનામાં જોડાયા છે તેની સરાહના કરતાં વિજય ભાઈ રૂપાણીએ યોગ દિવસને વિશ્વ ખ્યાતિ અપાવવાનું શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યું હતું. તેમણે આ અવસરે આહવાન કર્યું કે સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ તણાવમુક્ત જીવન માટે સૌ કોઇ આ યોગ સાધનાને એકાદ દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા પોતાની દૈનિક જીવન ચર્યાનો કાયમી હિસ્સો બનાવે.(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]